રાજકોટ
News of Thursday, 12th July 2018

રાજકોટ જિલ્લામાં ઓરી-રૂબેલા નિયંત્રણ અભિયાનઃ ૧૬ જુલાઈથી ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને રસી આપવામાં આવશે

કુલ સવા ચાર લાખ બાળકો આવરી લેવાશેઃ ૬ હજારથી વધુ કર્મચારી-અધિકારી રોકાશે

રાજકોટ, તા. ૧૨ :. રાજ્યભરમાંથી ઓરી-રૂબેલા નિયંત્રણનું ધ્યેય આરોગ્ય વિભાગ તરફથી સ્વીકારવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્યભરમાં ઓરી-રૂબેલા નિયંત્રણ અભિયાન ચાલી રહ્યુ છે. જે અન્વયે ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી-રૂબેલા રસીથી આવરી લેવાના રહેશે. આ અભિયાનના ભાગરૂપે આગામી તા. ૧૬ જુલાઈથી રાજકોટ જિલ્લામાં કુલ ૪,૨૩,૪૦૭ બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે.

આ કામગીરી માટે જિલ્લામાં ૪૮૯૧ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમા આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર અને શિક્ષકોની અને વોલ્યંટર્સની બનેલી રસીકરણ ટીમ દ્વારા પ્રથમ તમામ શાળાઓમાં, ત્યાર બાદ આંગણવાડી, દરેક સરકારી દવાખાનાઓ, ગ્રામ્ય વિસ્તારના કારખાના વિસ્તાર વગેરેમાં રસીનો એક ડોઝ આપવામાં આવશે. આ કામગીરીમાં ૬૦૦૦ જેવા અધિકારી-કર્મચારીઓ રોકાયેલા છે. આ બધાને તાલીમ પણ આપવામાં આવેલ છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અર્બન સેન્ટરોમાં રસીનો પુરતો જથ્થો પહોંચાડવામાં આવેલ છે.

જિલ્લાની સરકારી શાળાઓ, આંગણવાડીઓ, બાલ મંદિરો વિગેરે તથા પ્રાઈવેટ ડોકટરશ્રીઓ, બાળરોગ નિષ્ણાંત ડોકટરશ્રીઓના યુનિયનો જેવા કે આઈ.એમ.એ. આઈએપી વિગેરે અને રોટરી તથા લાયન્સ કલબ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓનો પણ અસરકારક સહકાર મેળવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. તમામ ખાનગી શાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય તેઓ પણ સહકાર આપી આ કામગીરીમાં ૧૦૦ ટકા સિદ્ધિ મેળવવા તત્પર છે.

આ કામગીરી માટે જિલ્લાના મેડીકલ ઓફિસરશ્રીઓની મીટીંગ યોજીને માર્ગદર્શન આપવામાં આવેલ છે તેમજ જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ઓરી-રૂબેલા નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીની મીટીંગ યોજી વિગતવાર આયોજન કરવામાં આવેલ છે. આ અંગેનું તમામ આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી અને રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી કરાવવામાં આવેલ છે.

રસીકરણના આ દિવસો એ તમામ વાલીઓને તેમના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને શાળામાં રસી અપાવવા જાહેર અપીલ કરવામાં આવે છે. અગાઉ ગમે તેટલીવાર રસી લીધેલ હોય તો પણ બાળકને રસી અપાવવા વિનંતી છે.(૨-૨૩)

(4:27 pm IST)