રાજકોટ
News of Thursday, 12th July 2018

ભાડલાના ગાંડુભાઇ કોળી હત્યા કેસના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

આરોપી સામે ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહિઃ કોર્ટ

રાજકોટ તા.૧૨: તળાવમાંથી માછલી પકડવા બાબતે વાંધો તકરાર ઉભી થતાં જસદણના શાંતિનગરમાં રહેતા ગાંડુભાઇ લધરાભાઇ કોળીની છરીના ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલા કુવાડવામાં વેલનાથ સોસાયટીમાં રહેતા આબીદ મહમદભાઇ ભટ્ટીએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી પી.કે. અનિષકુમારે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે કુંદલી ગામે રહેતા ફરીયાદી મહેશભાઇ બટુકભાઇ કોળીએ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદની વિગત મુજબ તળાવમાંથી માછલી પકડવાની તકરાર બાબતે આ કેસના અન્ય એક આરોપી યુનુસે છરીના ઘા ઝીંકી ગાંડુભાઇની હત્યા કરી હતી. જે અંગે ભાડલા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં હાલના આબીદ મહમદ ભટ્ટીની ધરપકડ કરીને પોલીસે જેલહવાલે કરતાં કુલ ત્રણ આરોપીઓ પૈકીના ઉપરોકત આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ મહેશભાઇ જોષીએ રજૂઆત કરેલ કે, આરોપીઓએ ખુન અને હત્યાની કોશિષનો ગંભીર ગુનો કર્યો હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષી રોકાયા હતા. (૧.૨૧)

(4:26 pm IST)