રાજકોટ
News of Thursday, 12th July 2018

પૂ.શ્રી નમ્રમુનિ મ.સા સહીત ૭પ સંત-સતીજીઓનો શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંધમાં રવિવારે ચાતુર્માસ પ્રવેશઃ વિજયભાઇ ઉપસ્થિત રહેશે

ઉવસગ્ગહરં સ્તોત્રની છઠ્ઠા તબકકાની સાધના પૂ.શ્રી દ્વારા કરાવાશેઃ સ્વાગત શોભાયાત્રા- નવકારશી યોજાશે

રાજકોટ, તા.૧૨: લાંબા સમયથી રાજકોટના જૈન સમાજ જેમની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં તેવા શાસન પ્રભાવનાનાં અનેક શિખરો સર કરીને રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમૂનિ મ.સા રાજકોટની પાવન ધરા પર ૭પ સંત-સતીજીઓનાં સમૂહ ચાતુર્માસ કલ્પ અર્થે  પધાર્યા છે ત્યારે તેમનાં આગામી રવિવારનાં મંગલ પ્રવેશને વધાવવા શ્રી રોયલપાર્ક સ્થા.જૈન સંધના ભાવિકો અનેરા ઉત્સાહથી થનગની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૨ તેમજ ૧૯૯૭માં ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજય ગુરૂદેવશ્રી રતિલાલજી મહારાજ સાહેબના નેતૃત્વમાં અનુક્રમે એક સાથે ૯૨અને ૭૨ સંત-સતીજીઓના રાજકોટની ધરા પર થયેલાં અવિસ્મરણીય ચતુર્માસની શૃખલામાં એક ઓર સુવર્ણ પુષ્ઠ ઉમેરવા ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમૂનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજય શ્રી ચેતનમુનિ મહારાજ સાહેબ, પૂજય શ્રી વિનમ્રમૂનિ મહારાજ સાહેબ, તેમજ પૂજય શ્રી પવિત્રમુનિ મહારાજ સાહેબ આદિ છ સંતોની સાથે ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂજય શ્રી ગુલાબબાઇ મહાસતીજી, આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઇ મહાસતીજી મળીને એક સાથે ૭પ સંત-સતીજીઓના સામુહિક ચતુર્માસ અર્થે પધારી રહ્યાં છે ત્યારે તેમના આગમનને વધાવવા સ્વાગત શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે.

તા.૧પને રવિવાર સવારના ૮: કલાકે ધર્મ વત્સલ નટવરલાલ હરજીવન શેઠ વિસાવદરવાળાના નિવાસ સ્થાન ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટ, પર્ણકુટિ સોસાયટીથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. રાજકોટના રાજમાર્ગો પર જયકાર ગુજવતી શોભાયાત્રા જીતુભાઇ બેનાણી, એટલાન્ટા એપાર્ટમેન્ટ થઇ શ્રી તપસમ્રાટ ચોક થઇને ડુંગર દરબાર-અમિન રોડ જંકશન, ૧પ૦ રીંગ રોડ, ઝેડ બ્લુની સામે વિરામ પામશે જયાં ૮.૪પ થી ૧૨:૩૦ કલાક દરમ્યાન સંત-સતીજી સ્વાગત સમારોહ યોજાશે

વિશાળ સંખ્યામાં થઇ રહેલાં સામુહિક ચાતુર્માસની અનુમોદના કરીને શુભેચ્છા અર્પણ કરવા આ અવસરે રાજકોટમાં બિરાજમાન પૂજયવર જશ-ઉત્તમ પરિવારના, શ્રી સંધાણી સંપ્રદાયના, શ્રી અજરામર સંપ્રદાયના તેમજ શ્રી શ્રમણ સંધના સાધ્વીજી ભગવંતોની સાથે શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંધોના પદાધિકારીઓ, શ્રેષ્ઠિવર્યો, મહિલા મંડળો, અર્હમ યુવા સેવા ગૃપ, લુક એન લર્ન, શ્રી ગરિમા ગૃપ, શ્રી ગોંડલ મહિલા મંડળ, શ્રી જૈન પ્રોગ્રેસીવ ગૃપ, શ્રી રોયલપાર્ક પુત્રવધુ મંડળ, શ્રી વિજયાબા મંડળ, સંબોધિ સત્સંગ,  જૈન વિઝન ગૃપ અને જૈનમ ગૃપ આદિ અનેક મિશન્સના સભ્યો તેમજ સૌરાષ્ટ્રના ધારી, વિસાવદર, બગસરા, જૂનાગઢ, વેરાવળ, ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, જામનગર, ઉના, કાલાવડ વગેરે સંધો તથા હજારો ભાવિકો ઉપસ્થિત રહેશે.

વિશેષમાં, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ખાસ આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના પ્રવેશ વધામણા કરવા તેમજ ૭પ સંત-સતીજીના સમુહ ચાતુર્માસની શુભેચ્છા અર્પણ કરવા ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે આ અવસરે સી.એમ. પૌષધશાળાનું લોકાર્પણ કરવામાં આવશે.

ચાતુર્માસ મંગલ પ્રવેશના કાર્યક્રમની સાથે છેલ્લા પાંચ રવિવારથી રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના બ્રહ્મનાદથી કરાવવામાં આવી રહેલી મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની ૨૧ દિવસિય સંકલ્પ સિદ્વિ સાધનાના છઠા તબકકાની સાધના ભાવિકોને કરાવવામાં આવશે. વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચાર અને લયબદ્વ સ્વરે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી કરાવવામાં આવતી આ સિદ્વિની સાધનામાં વિશાળ સંખ્યામાં ભાવિકો લાભ લઇને દિવ્યાનુભૂતિ કરી રહ્યા છે જે ૨૧ રવિવાર સુધી અખંડ સ્વરૂપે રાજકોટવાસીઓને કરાવવામાં આવશે.

ચાતુર્માસ મંગલ પ્રવેશની સ્વાગત શોભાયાત્રાના પ્રારંભ પહેલાં ઉપસ્થિત સર્વ ભાવિકો માટે નવકારશીનું આયોજન ઉદયભાઇ કાનગડ (સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન) તરફથી કરવામાં આવ્યું છે. સહુ ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી સંધ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. (૨૩.૭)

(2:45 pm IST)