રાજકોટ
News of Thursday, 12th July 2018

સિવિલની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે દર્દીના સગાના ખિસ્સા કપાયાઃ પૈસા ચોરી માથે બાંધેલા પાટામાં છૂપાવ્યા!

સિકયુરીટી ગાર્ડ રેશ્માબેને રૂખડીયાપરા અને ભગવતીપરાના બે શખ્સને પકડી પોલીસને સોંપ્યા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી દ્વારા રોજબરોજ ખિસ્સાકાતરૂઓ, મોબાઇલ ચોરોને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવે છે. ગત રાત્રે બે શખ્સોએ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સામેના ભાગે મેદાનમાં સુતેલા દર્દીના સગાઓને નિશાન બનાવ્યા હતાં. કુલ ત્રણ લોકોના પાકિટ ચોરી લેવાતાં દેકારો મચ્યો હતો. જો કે બે લોકોના પાકીટ ખાલીખમ્મ હતાં. જ્યારે સોમનાથના સિંગસર ગામના શબ્બીરભાઇ હુશેનભાઇના પાકિટમાં રૂ. ૮૦૦ હતાં. ચોરી થયાની જાણ થતાં મહિલા સિકયુરીટી ગાર્ડ રેશ્માબેન દોડી ગયા હતાં અને તપાસ કરતાં ટોળામાં જ બે શકમંદ દેખાતાં તેની તલાશી લીધી હતી. આ બંને મુસ્લિમ શખ્સો રૂખડીયાપરા અને ભગવતીપરાના હતાં. પ્રારંભે તો બંનેએ પોતે ચોરી કરી નથી તેવું રટણ કર્યુ હતું. માથા-આંખ પર પાટો બાંધેલા શખ્સે પોતે આંખની સારવાર માટે આવ્યો છે એવું રટણ કર્યુ હતું. પણ તેના માથાનો પાટો ઢીલો જણાતાં તેની અંદર તપાસ કરતાં તેમાંથી રૂ. ૮૦૦ની રોકડ નીકળતાં સોૈ ચોંકી ગયા હતાં. બંનેને પોલીસ હવાલે કરાયા હતાં. તસ્વીરમાં આ બંને શખ્સ અને જેના પર્સ ચોરાયા હતાં તે લોકો જોઇ શકાય છે.

(12:44 pm IST)