રાજકોટ
News of Thursday, 12th July 2018

ગૂમ થયેલો માસૂમ વિદ્યાલયનો છાત્ર પ્રણવ અલવર માસીને ત્યાં પહોંચ્યો

સ્કૂલે ન ગયો હોઇ ત્યાંથી માતાને જાણ થતાં ઠપકો મળવાના ભયે જતો રહ્યાની શકયતા : અલવર રહેતાં માસા-માસીને એક મુસાફરના મોબાઇલથી જાણ કરી

રાજકોટ તા. ૧૨: ભગવતીપરા મહાકાળીનગર-૨માં રહેતો અને  માસૂમ વિદ્યાલયમાં ધોરણ-૧૨માં ભણતો પ્રણવ (ઉ.૧૬) મંગળવારે સવારે ઘરેથી સાઇકલ લઇ સ્કૂલ ડ્રેસ પહેરી સ્કૂલે જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને સ્કૂલમાંથી તેના માતા ચંદનબેન નરેન્દ્રભાઇ સોલંકી (ઉ.૩૯)ને શિક્ષીકાએ ફોન કરી પ્રણવ શાળાએ આવ્યો નહિ હોવાની જાણ કરતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પ્રણવ રાજસ્થાનના અલવર ખાતે માસા-માસીના ઘરે પહોંચી ગયાના વાવડ મળતાં પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો છે.

 સગીર ગૂમ થવાના કિસ્સામાં બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને રાઇટર કેતનભાઇએ તાકીદે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન  પ્રણવ રાજસ્થાનના અલવર ખાતે રહેતાં માસી-માસાને ફોન કરી તેની પાસે પહોંચી ગયાની જાણ થતાં રાજકોટથી તેના નાના અને મામા તેને લેવા માટે રવાના થયા છે. પ્રણવે પોતે ટ્રેનમાંહોવાનું અને જયપુર પહોંચ્યાનું માસીને સાથે મુસાફરી કરતાં એક વ્યકિતના ફોનમાંથી ફોન કરીને કહેતાં માસી-માસાએ એ મુસાફરને પ્રણવ અલવર પહોંચે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું અને બાદમાં સ્ટેશને પહોંચી પ્રણવ અલવર પહોંચતા જ તેને પોતાના ઘરે લઇ જઇ રાજકોટ જાણ કરી હતી.

શાળામાંથી પ્રણવની અનિયમીતતાનો ફોન તેના માતાને કરવામાં આવ્યો હોઇ ઠપકો મળશે એ ભયથી કદાચ તે જતો રહ્યાની શકયતા છે.

(12:42 pm IST)