રાજકોટ
News of Wednesday, 12th June 2019

ઉંચા વ્યાજે પૈસા આપી ખંડણી ઉઘરાવવા અંગેના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા ૧૨  : રાજકોટ પોલિસ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ યોજાયેલ લોક દરબારમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં રહિમ બરકતઅલી કોરડીયા તથા જયેશ ડાંગર વિરૂધ્ધ ગુનો દાખલ થયેલો, જેની સામે રહિમ કોરડીયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતાં કોર્ટે આગોતરા જમીન મંજુર કરેલ છે.

આ કેસની વધુ વિગત જોઇએ તો રાજકોટના થોરાળા પોલિસ સ્ટેશનમાં ફરીયાદી  મોૈલિકભાઇ કાળુભાઇ કાકડિયા, રહે. નવા થોરાળા,  રાજકોટવાળાએ ફરિયાદ નોંધાવેલ કે ૨૦૧૮ માં દિવાળી પહેલા આશરે ૮ માસ પહેલા રહીમભાઇ કોરડીયા, રહે. દુધની ડેરી પાસે, થોરાળાવાળા પાસેથી મોૈલિકભાઇએ રૂા ૪,૫૦,૦૦૦/- મહીને ૬૦ ટકા વ્યાજે પૈસા લીધેલ અને રોજનું ૯૦૦૦/- વ્યાજ ચુકવતા હતા, અને અત્યાર સુધીમાં ફરીયાદીએ ૧૫,૦૦,૦૦૦/- વ્યાજ ચુકવી દીધેલ. એમ  છતાં આરોપી વધુ પૈસા માગી ધાકધમકી  આપતો  હોય આ વ્યાજ ચુકવવા માટે ફરીયાદીએ જયેશ ડાંગર પાસેથી પણ ૪,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ જે બંનેનું વ્યાજ ભરતા હોવા છતાં પણ બંને ઇસમો એ ફરીયાદીના ઘરે અવાર નવાર આવી, ધાકધમકી આપી અને બળજબરીથી  પઠાણી ઉઘરાણી કરતા, તેમજ જયેશ ડાંગરે ફરીયાદી પાસે રહેલી એકસ.યુ.વી. ગાડી પણ પડાવી લીધેલ હોય એ મતલબની ફરીયાદ કરતા થોરાળા પોલિસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૮૪,૩૮૬, ૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત મની લેન્ડની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો.

આ સામે આરોપી રહિમ કોરડિયાએ પોતાના વકીલ કુલદીપસિંહ જાડેજા મારફત રાજકોટની  કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતાં બંને સરકાર પક્ષ તથા બચાવ પક્ષની દલીલો તથા પોલીસે રજુ કરેલ સોગંદનામુ વગેરે બાબતો ધ્યાને લઇને આરોપીને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના વકીલ  રૂપરાજસિંહ પરમાર અને કુલદીપસિંહ બી. જાડેજા રોકાયેલ હતા.

(3:38 pm IST)