રાજકોટ
News of Wednesday, 12th June 2019

મોદી-ક્રિષ્ના-પાઠક સીલઃ ભરાડ-ઉત્કર્ષનાં 'ડોમ'નો કચ્ચરઘાણ

આખરે રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા હથોડાવાળીઃ મોતનાં માચડાસમા ડોમ વાળીઃ ૧૩ સ્કૂલોમાં કાર્યવાહી : સુરતની ઘટના અને 'વાયુ' વાવાઝોડાને પગલે સરકારની લાલઆંખ

રાજકોટ, તા. ૧૨ :. સુરતની ઘટના અને 'વાયુ' વાવાઝોડાને પગલે મ્યુ.કોર્પોરેશન દ્વારા ફાયરના સાધનો નહિ રાખનાર અને છાપરા બનાવેલ સ્કુલને સીલ લગાવવાની કાર્યવાહી આજ સવારથી મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વેય મોદી, પાઠક તથા ક્રિષ્ના સ્કુલનાં ડોમ વાળા બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા છે. જયારે ભરાડ-ઉત્કર્ષ સ્કુલનાં છાપરા હટાવવામાં આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલે તા.૧૩નાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેવાની સંભાવના હોઈ આ દિવસે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા અને આ ઉપરાંત વૃક્ષોને કારણે કોઈ અકસ્માત નાં થાય તેવા આશયથી શહેરના તમામ બગીચાઓ પણ બંધ રાખવામાં આવ્યા છે. જયારે શહેરમાં જે શાળાઓ અને ટયુશન કલાસીસમાં છાપરા બનાવેલા હોય  અને  ફાયર બ્રિગેડના સાધનોનુ ચેકીંગ કરી અને નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો નહિ રાખનાર સ્કૂલ, કોલેજ, ટયુશન કલાસને સીલ કરી દેવા મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વેય આજે સવારે મ્યુ.કોર્પોરેશનની ટી.પી શાખા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરનાં ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં આવેલ મોદી સ્કુલની ત્રણ બિલ્ડીંગ, ક્રિષ્ના હાયર સેકન્ડરી હાઇસ્કુલ, પાઠક સ્કુલનાં છાપરાવાળા સ્થળો સીલ કરી દેવામાં આવ્યા છે. જયારે ઉત્કર્ષ સ્કુલ અને ભરાડ સ્કુલના છાપરાઓ હટાવવામાં આવ્યા હતા. મ્યુ.કોર્પોરેશન દ્વારા હજુ કાર્યવાહી ચાલુ છે.મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં કાર્યરત્ત્। સ્કૂલ્સ અને કલાસીસમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા અને સલામતી અંગે કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે અને રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ડીપાર્ટમેન્ટ સાથે સંલગ્ન એવા આવશ્યક તમામ ધારાધોરણોનું કલાસ અને સ્કૂલ સંચાલકોએ પાલન કરવું પડશે.(૨-૩૦)

 (તસ્વીર-અશોક બગથરીયા)

આ ૧૩ નામાંકિત સ્કૂલોમાં ટી.પી. વિભાગે ત્રાટકી ડોમના ગેરકાયદે બાંધકામો સીલ કર્યા અને તોડી પાડયાં

(3:24 pm IST)