રાજકોટ
News of Wednesday, 12th May 2021

આંતર રાષ્ટ્રીય નર્સિંગ દિને કોરોના મહામારીમાં અડીખમ તરીકે ફરજ બજાવતા તમામ આરોગ્ય સ્ટાફને લાખ લાખ વંદન : મેયર ડો. પ્રદિપ ડવ

રાજકોટ,તા. ૧૨: મેયર ડો.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, વિશ્વ આખું કોરોના મહામારીમાં સપડાયેલ છે. આજ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિને કોરોના મહામારીમાં અડીખમ તરીકે સતત ફરજ બજાવતા તમામ નર્સિંગ ભાઈ-બહેનોને લાખ લાખ અભિનંદન સાથે વંદન કરૃં છું.

કોરોના કાળને એક વર્ષ કરતા વધુ સમયથી નર્સિંગ સ્ટાફ સતત પોતાની ફરજ બજાવી રહેલ છે. ફરજની સાથોસાથ પોતાના પરિવારમાં વૃધ્ધ માં-બાપ, બાળકોની પણ જવાબદારી ઉઠાવી રહેલ છે, જે ધન્યવાદને પાત્ર છે. 'નારી તુ નારાયણી' નારી શકિતનું પ્રતિક છે. આ મહામારીમાં નર્સિંગ બહેનોએ આ સૂત્રને સાર્થક કરેલ છે.

ફરજ દરમ્યાન આખો દિવસ કીટ પહેરીને ફરજ બજાવવી એ ખુબ જ કપરૂ છે, પરંતુ હાર માન્યા વગર પૂરી તાકાતથી પોતાની ફરજ બજાવે છે, જે વંદનને પાત્ર છે. કોરોના વાયરસથી સંક્રમિત થવાની દહેશત હોવા છતાં જરા પણ ડર રાખ્યા વગર જે નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ બજાવે છે તે ગૌરવની બાબત છે. તેમ અંતમાં મેયરશ્રીએ જણાવ્યું હતું.

(4:00 pm IST)