રાજકોટ
News of Wednesday, 12th May 2021

મ્યુકરમાઇકોસિસ રોગના ઇન્જેકશનો-દવાઓનો પૂરતો સ્ટોક રાખવો જરૂરી : ડાંગર-ત્રિવેદી

આ રોગ વકરે તે પહેલા સરકાર રાજકોટ માટે પુરતી વ્યવસ્થા કરી લ્યે : મુખ્યમંત્રીને શહેર કોંગ્રેસ પ્રમુખની રજુઆત

રાજકોટ, તા. ૧ર :  રાજયમાં મ્યુકરમાઇકોસિસ (ફંગસ) નો રોગચાળો ફેલાઇ રહ્યો છે. ત્યારે આ રોગ માટે ઉપયોગી ઇન્જેકશનો અને દવાઓનો પુરતો સ્ટોક અત્યારથી જ રાજકોટને ફાળવી દેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. હાલ કોરોના મહામારીએ તાંડવ કરી રહ્યો છે. એટલામાં જ મ્યુકરમાઇકોસિસએ માથું ઉચકયું છે ત્યારે આ મહામારીમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીઓને રાજકોટના એકપણ મેડીકલ સ્ટોરમાં ઇન્જેકશન મળતા નથી તેમજ દવા અને ઇન્જેકશન ન મળવાના કારણે દર્દીઓને મોતને ભેટી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા અવારનવાર લેખિત-મૌખિક રજુઆતોના પગલે પણ સરકાર દ્વારા કોરોના ના દર્દીઓની હજુ પુરતી સુવિધાઓ કરી શકાતી નથી. ત્યારે આ મ્યુકરમાઇકોસિસ મહામારીમાં સરકાર શું પગલા લેશે ? દર્દીઓને કેવી દવા આપશે ? ઇન્જેકશનનો જથ્થો કયારેય અપાશે ? વગેરે જેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે અને લોકોમાં ચિંતાજનક માહોલ બની રહ્યો છે ત્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીઓને દવાઓ વગર મોતને ભેટવું ન પડે અને તમામ પ્રકારની દવાઓ, ઇન્જેકશનો, તબીબી સેવાઓ વગેરેની પુરતી વ્યવસ્થા રાખવો તેવી માંગ છે.

(3:46 pm IST)