રાજકોટ
News of Wednesday, 12th May 2021

રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટના 'ડબલ મર્ડર' કેસના ત્રણ આરોપીની જામીન અરજી હાઇકોર્ટમાં રદ

રાજકોટ તા.૧ર : રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પુર્વે થયેલા ચકચારી ડબલ મર્ડર કેસના ત્રણ આરોપીઓની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધેલ છે.

વધુ વિગત મુજબ શહેરની ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦-૭-ર૦૧૧ના રોજ માતાજીના મઢીપ ાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાની ના પાડવાના મુદે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નીપજતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો તથા અન્ય ચાર સાહેદોને ગંભીર ઇજાઓ થતા હત્યાની કોશીષનો પણ ગુન્હો નોંધવામાં આવેલ.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ  જાડેજાએ આરોપીઓ છગન રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ દેવશી દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજયા, બાબુ ઉકા દુધરેજીયા, મનસુખ દેવશી દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધાવેલ. જેમાં તે ગુન્હામાં આરોપીઓની ધરપકડ કરી તપાસ પુર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા. દરમિયાન હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા આરોપીઓ પૈકી છગન રઘા દુધરે.જીયા, ધીરૂ રઘા દુધરેજીયા તથા સુરેશ રઘુભા દુધરેજીયા, ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષનો લેખિત મૌખીક દલીલો બાદ ગુજરાત  હાઇકોર્ટના વકીલ તથા મુળ ફરિયાદીના વકીલએ દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે તેથી ગુજરાત હાઇકોર્ટે આ દલીલોને ધ્યાને લઇ ત્રણેય આરોપીઓ  છગન રઘા દુધરેજીયા, ધીરૂ રધા દુધરેજીયા તથા સુરેશ રધા દુધરેજીયાની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી વતી ગુજરાત હાઇકોર્ટના વકીલ શ્રી વિકીભાઇ મહેતા રાજકોટના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર, ભરતભાઇ સોમાણી, હુશેનભાઇ હેરંજા રોકાયેલ હતા.

(3:08 pm IST)