રાજકોટ
News of Wednesday, 12th May 2021

તબિબી શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલાતા ફરી આંદોલનનું હથીયારઃ કાલે નોન-કોવિડ સેવાથી અળગા રહેશે

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં ૧૯૦ શિક્ષકોઃ અગ્રણી તબિબી શિક્ષકોની ડીન ડો. સામાણીને રજૂઆતઃ છતાં ઉકેલ ન આવે તો ૧૪મીથી કોવિડ-નોન કોવિડ બંને સેવા બંધ

રાજકોટ તા. ૧૨: ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૩૦૦થી વધુ તબિબી શિક્ષકો (પ્રોફેસર્સ)ની અનેક પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ આવ્યો ન હોઇ અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં વાજબી અને ન્યાયિક પ્રશ્નોનો હલ થયો ન હોઇ હવે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ તબિબી પ્રોફેસરો કે જે કોવિડ-૧૯માં નિરંતર ફરજ બજાવી રહ્યા છે તેઓ ફરીથી હડતાળના માર્ગે ચડશે. અગાઉ વહિવટી તંત્રએ પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. પણ આ વાતને અઠવાડીયુ થવા આવ્યું હોવા છતાં ઉકેલ આવ્યો ન હોઇ હવે રાજ્યની તમામ સરકારી તબિબી-ડેન્ટલ કોલેજના તબિબી શિક્ષકોએ આજથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. તેમજ આવતીકાલે ૧૩મીએ નોન-કોવિડ સેવાથી આ તબિબી શિક્ષકો અળગા રહેશે. તેમ છતાં પ્રશ્ન નહિ ઉકેલાય તો ૧૪મીએ કોવિડ-નોનકોવિડ બંને સેવાથી તેઓ અલિપ્ત રહેશે. તેવો નિર્ણય કરવામાં આવ્યું છે. રાજકોટ પીડીયુ મેકિડલ કોલેજના તબિબી શિક્ષકો વતી ડો. કમલ ડોડીયા, ડો. મુકેશ પટેલ, ડો. ઉમેદ પટેલે ડીન ડો. મુકેશ સામાણીને આવેદન પાઠવી આ અંગેની જાણ કરી હતી. ડઝનથી પણ વધુ વણઉકેલ પ્રશ્નોને કારણે તબિબી શિક્ષકોને આ હડતાલ કરવા મજબુર થવું પડ્યું છે. જો કે તબિબી શિક્ષકો આંદોલન સંપુર્ણ રીતે શાંતિપુર્વક અને શિસ્તબધ્ધ રીતે કરશે. જાહેર જનતાને અડચણ ન થાય તેનું ધ્યાન રાખશે. તેમ જીએમટીએના પ્રમુખ અને મંત્રીએ જણાવ્યું છે.

(3:00 pm IST)