રાજકોટ
News of Wednesday, 12th May 2021

કર્મકાંડી કમલેશભાઇ લાબડીયાની સંતાનો સાથે આપઘાતની ઘટનામાં સિટની રચના કરતાં પોલીસ કમિશનર અગ્રવાલ

ટીમમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એસીપી ગેડમ, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને તેમની ટીમ મુળ સુધી પહોંચવા તપાસ કરશેઃ એક આરોપી દિલીપ કોરાટ જેલહવાલે થઇ ચુકયો છેઃ બીજા ફરાર આરોપી વકિલ આર. ડી. વોરાની શોધખોળ

રાજકોટ તા. ૧૨: નાના મવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર સામે આવેલા શિવમ્ પાર્ક-૨માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાન કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના યુવાન પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. પહેલા પુત્ર, પછી પિતા કમલેશભાઇ અને બાદમાં પુત્રીનું મોત થયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વકિલ આર. ડી. વોરા અને દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી ૩૦૬, ૪૦૬, ૩૮૪, ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો હતો. આ બંનેએ કાવત્રુ કરી કમલેશભાઇનું ૧ કરોડ ૨૯ લાખના મકાનનો સોદો કરી સુથીના રૂ. ૫૧ હજાર અને બીજા ૨૦ લાખ ચુકવી બાકીના સાટાખત વખતે આપવાનો વાયદો કર્યા બાદ સાટાખત કરવાના દિવસે પૈસા તો તમને આપી દીધા છે કહી ઠગાઇ કરતાં કમલેશભાઇ મરવા અને સંતાનોને મારવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તલસ્પર્શી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ)ની રચના કરી છે. જેમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા રહેશે. એસીપી જે. એસ. ગેડમ તથા એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને તેમની ટીમ ઉંડાણપુર્વક તપાસ કરી મુળ સુધી પહોંચશે.

(2:59 pm IST)