રાજકોટ
News of Wednesday, 12th May 2021

ગાંધીગ્રામના માટલાના ધંધાર્થી વલ્લભ ધંધુકિયાને એસઓજી-ગાંધીગ્રામ પોલીસે ગાંજા સાથે પકડ્યો

મવડી તરફના રસ્તે સાધુ જેવા વ્યકિતએ આપ્યાનું રટણઃ કોન્સ. કિશોરભાઇ ઘૂઘલની બાતમી પરથી કાર્યવાહીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટઃ ગાંધીગ્રામમાં શેરી નં.૭માં બાલાજી કૃપા ખાતે રહેતાં મુળ ધોરાજીના ભુખી ગામના વલ્લભ જેઠાભાઇ ધંધુકીયા (ઉ.વ.૫૦)ને નાણાવટી ચોકથી ગાંધીગ્રામના રસ્તા પર એસઓજીની ટીમે શંકા પરથી અટકાવી તલાશી લેતાં તેની પાસેથી રૂ. ૧૨૩૦નો ૧૨૩ ગ્રામ ગાંજો મળતાં તે તથા રૂ. ૨૦૦ રોકડા કબ્જે લઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાવી આરોપીને ત્યાં સોંપાયો છે.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની રાહબરીમાં માદક પદાર્થની પ્રવૃતિઓ પર નજર રાખવા સુચના અપાઇ હોઇ પીઆઇ આર.વાય.રાવલ, એએસઆઇ રવીભાઇ ડી. વાંક, હેડકોન્સ. કિશનભાઇ આહિર, ડી. જી. ઝલા, મોહીતસિહ જાડેજા, કોન્સ. કિશોરભાઇ  ઘુઘલ તથા ડ્રાઇવર કૃષ્ણસિંહ સહિતે આ કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વલ્લભ માટલા બનાવી વેંચવાનું કામ કરે છે. પોતાને ગાંજો ફૂંકવાની આદત હોઇ જેથી પીવા માટે લાવ્યાનું રટણ તેણે કર્યુ છે. તે ગાંજો કયાંથી લાવ્યો? તેની તપાસ ગાંધીગ્રામ પીઆઇ કે. એ.વાળા, પીએસઆઇ જે. બી. રાણા, કિશોરભાઇ ઘૂઘલ, ગોપાલભાઇ પાટીલ સહિતનો સ્ટાફ કરશે. વલ્લભે એવું રટણ કર્યુ હતું કે પોતે મવડી તરફ જતો હતો ત્યારે એક સાધુ જેવા લાગતાં વ્યકિત સાથે સંપર્ક થતાં તેની પાસેથી પીવા માટે આ પદાર્થ મેળવ્યો હતો. જો કે તે કેટલુ સાચુ બોલે છે? તેની તપાસ હવે થશે. આ કેસમાં બાતમી કિશોરભાઇ ઘૂઘલની હતી.
 

(11:43 am IST)