રાજકોટ
News of Saturday, 12th May 2018

ધો.૧૨ સાયન્સમાં પુજીત ટ્રસ્ટના છાત્રો ખીલી ઉઠયા

રાજકોટ, તા.૧૨: આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા રૂપાણી પૂજીત મેમો. ટ્રસ્ટના ધો.૧૨ સાયન્સના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૮માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રીશ્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારર્કિદી માટેની શુભેચ્છા પાઠવી છે. ધો.૧૨ સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ પીઠડીયા અમીશા, જાદવ પ્રિયા, પેઢડીયા પ્રશાંત, વસાણી વંશીકા, સોલંકી બીના, નળીયાપરા નેહા, કાસુન્દ્રા સહજ, સોલંકી ઉર્વી, રાઠોડ રાહુલ, કિયાડા અક્ષયએ ૯૯.૧૪% સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી તથા એ ગ્રુપના વિદ્યાર્થીઓ પેઢડીયા પાર્થ, મારકણા યશ, જેઠવા પારસ, ગજેરા મિલાપ, વિશ્વકર્મા રાહુલ, કુશ્વાહા મિતલેશ ૯૮.૪૭% સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્રારા દતક લેવાતા બાળકોને ધો.૮માં શહેરની શ્રેષ્ઠ સ્કૂલોમાં એડમિશન અપાવી તેમને ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કૂલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે, સ્કૂલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે તેમજ જરૂર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. છેલ્લા ૧૮ વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરૂઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનિયર, અધ્યાપક, ફાર્માસિસ્ટ સહિતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચૂકયા છે તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.

વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓશ્રી મહેશભાઇ ભટ્ટ, ડો.મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ ઇન્ચાર્જ શ્રી અરવિંદભાઇ બગડાઇ તથા કમિટિ મેમ્બર્સશ્રીઓ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના ભારતીબેન બારોટ તથા હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવે છે. તેમ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ ફોન.૨૭૦૪૫૪૫ યાદીમાં જણાવાયું છે.(૨૩.૨)

(2:23 pm IST)