રાજકોટ
News of Monday, 12th April 2021

મારો દીકરો પ૦ બાયડી કરે, તારી સાથે કાંઇ લેવા દેવા નથી મેણા ટોણા મારી જયોતીબેન વાઘેલાને ત્રાસ

પરસાણાનગરમાં રહેતા સુશિક્ષિત મહિલાની ફરીયાદઃ જામનગરના પતિ દિપક, સાસુ કમળાબેન, નણંદ જયોતી, નણદોયા રાજેશ, નણંદના સસરા તુલશીભાઇ, માસીજી સાસુ પારૂબેન, નણંદ દક્ષા સામે ગુનો

રાજકોટ તા. ૧રઃ જામનગર રોડ પર પરસાણાનગરમાં માવતર ધરાવતી સુશિક્ષીત મહિલાને જામનગર પટેલનગરમાં રહેતો પતિ, સાસુ, નણંદ, નણદોયા, નણંદના સસરા, માસીજી સાસુ અને નણંદ લગ્નના અઠવાડીયા બાદથી નાની નાની બાબતે ઝઘડો કરી મારકુટ કરતા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પરસાણાનગર શેરી નં. ૧ર માં માવતરના ઘરે રહેતા અને એમ.એસ.સી.આઇ.ટી. અને સી.એ. સુધીનો અભ્‍યાસ કરેલ જયોતીબેન દિપકભાઇ વાઘેલા (ઉ.વ. ૩ર) એ મહિલા પોલીસ મથકમાં કરેલી ફરીયાદમાં જામનગર મહાવીર સોસાયટીની બાજુમાં પટેલનગર શેરી નં. ૧ માં રહેતા પતિ દીપક પ્રાગજીભાઇ વાઘેલા, સાસુ કમળાબેન વાઘેલા, નણંદ જયોતી રાજેશ વાઘેલા, નણદોયા રાજેશ તુલશીભાઇ સોલંકી, નણંદના સસરા તુલશીભાઇ રામદાસભાઇ સોલંકી, માસીજી સાસુ પારૂબેન ભુપતભાઇ વાઘેલા અને નણંદ દક્ષા ચંદ્રેશભાઇ રાઠોડના નામ આપ્‍યા છે. જયોતીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે આર.એમ.સી.માં નોકરી કરે છે. અમારી જ્ઞાતીના પ્રાગજીભાઇના દીકરા દિપક વાઘેલા સાથે પ્રેમસંબંધ હોઇ તેથી તેણે કહેલ કે ‘તું મારી સાથે લગ્ન કરી લે એટલે આપણે બંને અલગ રાજકોટ ખાતે રહીશું અને મારા માતા-પિતા જામખંભાળીયા રહેશે તેવી રીતે કહીને પોતાની સાથે નવેક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્‍યાન પોતાને ૯ વર્ષનો પુત્ર અને પ વર્ષની પુત્રી છે. હાલ પોતે પરસાણાનગરમાં બંને બાળકો સાથે એકલા રહે છે. લગ્ન બાદ પોતે તથા પતિ જામખંભાળીયા ખાતે સાસુ-સસરાના ઘરે ગયેલ અને ત્‍યાં આઠ દિવસ રહેલ બાદ પતિની નોકરી ટ્રાન્‍સપ,ોર્ટમાં મોરબી ખાતે હોઇ જેથી પોતે પતિ સાથે રાજકોટ રૈયા રોડ ખાતે ભાડે રહેતા હતા. સાસુ-સસરા બંને જામખંભાળીયા ખાતે મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં નોકરી હોઇ જેથી તેઓ ત્‍યાં રહેતા હતા. લગ્નના થોડા દિવસ બાદ પતિ નાની-નાની વાતમાં ઝઘડો કરી મારકુટ કરવા લાગેલ અને તેને દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ તથા બીજી સ્રીઓ સાથે સંબંધ હોઇ પોતાના ઘરસંસારમાં ધ્‍યાન આપતા ન હતા અને પોતાની પાસે પૈસા માંગતો અને કહેતો કે ‘તું તારા માવતર પાસેથી પૈસા લઇ આવ' ત્‍યારે પોતે તેને ઘણી વખત પૈસાની મદદ કરી હતી પરંતુ તે અવારનવાર પોતાની સાથે ઝઘડો કરી બીજીસ્ત્રીઓ સાથે બહાર ફરવા જતો રહેતો અને આ બાબતે પોતે સાસુ-સસરાને ફોન કરીને જાણ કરતા તો સાસુ કહેતા કે ‘તારી સાથે અમારે કોઇ લેવા-દેવા નથી તારે અમને મારા દિકરા વિશે કાંઇ કહેવાનું નહીં અને મારો દીકરો પ૦ બાયડી કરે' અને સાસુ પતિને ફોન કરી ચઢામણી કરતા કે તારી પત્‍ની અમોને તારા વિશે ફરિયાદ કરે છે. તોતે આવી બાયડીને શું રાખી છે તેને ઘરમાંથી કાઢી મુક તેમ ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરી મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકેલ ત્‍યારે પોતે આશરે દોઢેક વર્ષ માવતરના ઘરે રીસામણે રહેલ બાદ ઘરમેળે સમાધાન થતા બંને પતિ-પત્‍નિ રાજકોટ ભાડાના મકાનમાં રહેતા ત્‍યાં થોડા દિવસ ઘરસંસાર સારો ચાલ્‍યા બાદ પતિ ફરીથી એજ રીતે પરેશાન કરવા લાગ્‍યો હતો ઘરખર્ચના પૈસા પણ ન આપતો અને કહેતો કે તારા માવતર પાસેથી પૈસા લઇ આવ, હું તારા પર આ બધા પ્રકારના જુલમ કરૂં છું કે તું ત્રાસીને મને છુટાછેડા આપી દે, પણ તું કેમ નથી આપતી, મારે ઘણીસ્ત્રીઓ છે, તું મને છોડી દે, તું મારે જોઇતી નથી, તેમ કહી બીજીસ્ત્રી પાસે જતો રહેલ અને પોતાનો ફોન નંબર બ્‍લોકમાં નાખી દીધો હતો. ત્‍યારબાદ પતિ પોતાની સાથે રહેવા આવેલ નહીં અને પોતે બાળકોને લઇને એકલા ભાડાના મકાનમાં રહેતા હતા. બે વર્ષ સુધી પતિ કે સાસરિયાઓ પોતાને તેડવા આવેલ નહીં. તેમ છતાં ઘરસંસાર ન બગડે તેથી માતા-પિતાએ બીજી વાર સમાધાન કરીને મોકલેલ અને પતિ, સાસુ બધા જામનગર ખાતે રહેવા ગયેલ. ત્‍યારે સાસુ નાની નાની વાતમાં મેણા ટોણા મારતા તેમનજ માસીજી સાસુ પણ મેણા ટોણા મારી પોતાના ભાઇને ફોન કરી કહેલ કે તારી બહેનને અહીંથી લઇજા અમારે જોઇતી નથી. દિપકને તારી બહેન સાથે છુટાછેડા જોઇતા હોય આપી દેવાનું કહેજે. તેમ કહેતા ભાઇએ ઘરે આવી પોતાને અને બાળકોને તેડી ગયેલ બાદ ફરી સમાધાન થતા પતિ-સાસુ સસરા સાથે જામખંભાળીયા રહેતી થોડા સમય બાદ નણંદ પણ મેણા ટોણા મારી ત્રાસ આપતી હતી અને ફરી સાસુએ રાતના સમયે પોતાને ઘરમાંથી કાઢી મુકેલ બાદ પતિ કે સાસરીયાવાળા પોતાને તેડવા આવ્‍યા નહીં અને સમાજના વડીલો દ્વારા સમાધાનનો પ્રયત્‍ન કરતા સમાધાન થયું નહીં બાદ તા. ર૯-પ-ર૦ના રોજ બંને પક્ષ વચ્‍ચે વકીલ દ્વારા સોગંદનામું કરવામાં આવેલ જેમાં પતિને આપેલ પૈસા પોતે તથા માવતરના પૈસા જે પતિને આપેલ જે કુલ ૩૦ લાખ થાય છે જેમાંથી પતિ પોતાને ૧પ લાખ છ માસની અંદર આપી દેશે તેવું જ્ઞાતીના વકીલો સમક્ષ કહેલ અને એક વર્ષ થવા છતાં પતિએ પૈસા આપેલ નથી. આથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ. પી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(4:47 pm IST)