રાજકોટ
News of Monday, 12th April 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના દર્દીઓ માટે અનોખો સેવાયજ્ઞ : કોવિડ કેરના વધુ ૩૫ બેડ સુવિધા સાથે તૈયાર

કુલપતિ પેથાણી અને નેહલ શુકલ દ્વારા કન્વેશનલ હોલ ખાતે વધુ સુવિધા ઉભી થઈ

રાજકોટ, તા. ૧૨ : કોરોના મહામારીની સ્થિતિ દિન પ્રતિદિન વકરી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા વધતા ખાનગી - સરકારી હોસ્પિટલ ફુલ થઈ છે. કોવિડ કેર સેન્ટર પણ ફુલ થવા લાગ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી અને સીન્ડીકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલભાઈ શુકલના અવિરત સોસાયટીની પ્રથમ તબક્કામાં ૧૫૦ બેડ તૈયાર કર્યા છે. અધ્યાપક કુટીર ખાતે હાલ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર લે છે. કુલપતિ પેથાણી અને નેહલ શુકલએ તાબડતોબ કન્વેશનલ હોલ ખાતે વધુ ૩૫ બેડ તૈયાર કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની યાદી જણાવ્યા મુજબ વધતા જતા કોવિડના સંક્રમણને કારણે યુનિવર્સિટીના કર્મીઓ તથા રાજકોટના નગરજનો માટે આઈસોલેશન અને કોવિડ કેર તથા તેની ટ્રીટમેન્ટ માટે ૧૫૦ વ્યકિતઓને સમાવી શકાય તેવુ પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલની પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને લઈને ખૂબ ચિંતિત છે અને પોતાની સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સંપૂર્ણ નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર શરૂ થયુ છે. હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓકિસજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોકટરની ભલામણને આધારે ભરતી કરશે અને સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ નિઃશુલ્ક કોઈપણ જાતના ચાર્જ વિના દવા, જમવાનું સાથે મેડીકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને શ્રેષ્ઠ સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી એક સેવાનો પ્રયત્ન કરીને લોકોમાં પ્રસરી રહેલા ડરને દૂર કરવા માટે સનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.

અહિંયા ઈમરજન્સી ઓકિસજન વ્યવસ્થા નથી. હળવા લક્ષણોવાળા જ દર્દીઓએ ભરતી થવુ.

વધુમાં દર્દીઓને રહેવા - જમવાનું, સામાન્ય સારવાર, ડોકટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયમથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઉર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સર્વે સીન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી તથા ડો.નેહલભાઈ શુકલ તેમજ ડો.ધરમભાઈ કામ્બલીયા બધા કાર્યરત છે.

(4:32 pm IST)