રાજકોટ
News of Monday, 12th April 2021

રાજકોટની વિવિધ હોસ્પિટલમાં વધુ ૧૨૦ બેડ વધારતુ કલેકટર તંત્ર : સમરસમાં ૧૫ શિક્ષકોની નિમણુંક : જનસેવા ઝોનલ કચેરીઓ ૩૦મી સુધી બંધ

રાજકોટ, તા. ૧૨ : રાજકોટ જીલ્લા કલેકટર તંત્રના એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે સમરસમાં ૫૦ તથા પરમ અને શાંતિ હોસ્પિટલ થઈને આજે વધુ ૧૨૦ બેડ વધારવામાં આવ્યા છે. રેમડેસીવીરનો ૧૦૦૦ ઈન્જેકશનનો જથ્થો આજે વ્હેલી સવારે ફૂડ એન્ડ ડ્રગ ખાતાને મળી ગયો છે.

તેમણે ઉમેર્યુ હતું કે સમરસ હોસ્ટેલ અને દર્દીના સગા વહાલા અને દર્દીઓ માટે ફોન ઉપર જવાબ આપી શકાય તે સંદર્ભે ફોન એટેન્ડેન્ટ અને કન્ટ્રોલ રૂમ માટે કલેકટરે ૧૫ શિક્ષકોને આજથી જવાબદારી સોંપી દીધી છે.

દરમિયાન કલેકટર કચેરીમાં કોરોના ના કેસો વધી રહ્યા હોય કલેકટરે મહત્વનો નિર્ણય લઈ નવી કલેકટર કચેરીનું જનસેવા કેન્દ્ર સહિત તમામ જનસેવા કેન્દ્રો તથા પુરવઠાની રેશનીંગ કાર્ડની કામગીરી કરતાં ચારેય ઝોનલ કચેરીઓને આગામી તા. ૩૦ સુધી બંધ કરી દેવા આદેશ કર્યો છે. એક પણ કામગીરી ઓનલાઈન કે ઓફલાઈન નહિં થાય. લોકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરી છે.

(3:20 pm IST)