રાજકોટ
News of Monday, 12th April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં છના મોત

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિસ્તારમાંથી બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવેલા છ વ્યકિતએ દમ તોડી દેતાં તેમના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

નિવૃત અધિકારી રોહિતભાઇ ભોજાણીનું મૃત્યુ

એ રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાસે અમૃત પાર્ક-૩માં રહેતાં સેવા સદનના નિવૃત રિઝીયોનલ ડિરેકટર રોહિતભાઇ ઇશ્વરલાલ ભોજાણી (ઉ.વ.૫૯) રવિવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર રોહિતભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

વેલનાથપરાના ક્રિષ્નાબેન ચોૈહાણે દમ તોડ્યો

બીજા બનાવમાં ખોખડદળ પુલ પાસે વેલનાથપરામાં રહેતાં ક્રિષ્નાબેન રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેના પતિ મિનરલ વોટર સપ્લાયનું કામ કરે છે. સંતાનમાં બે પુત્રી છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

કુવાડવા રોડ કવાર્ટરમાં મુકેશભાઇ ડાભીનું મોત

ત્રીજા બનાવમાં કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવાસ કવાર્ટરમાં રહેતો મુકેશભાઇ રામજીભાઇ ડાભી (ઉ.વ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. મૃત્યુ પામનરા બે બહેનનો એકનો એક ભાઇ હતો અને કુંવારો હતો. તે ઘરે બેઠા ચાંદીકામ કરતો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સિતારામ સોસાયટીના સવિતાબેનનું મોત

ચોથા બનાવમાં કોઠારીયા રોડ સિતારામ સોસાયટી-૧૦માં રહેતાં સવિતાબેન અરવિંદભાઇ બાવળીયા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

ભગવતીપરાના નસીમબેનનું બેભાન હાલતમાં મોત

પાંચમા બનાવમાં ભગવતીપરા ત્રિમુર્તિ ચોક આશીયાના ડેરી સામે રહેતાં નસીમબેન અલ્તાફભાઇ બાબરીયા (ઉ.વ.૩૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃતકના પતિ છુટક ડ્રાઇવીંગ કરે છે. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

મેટોડાના દિલીપનું લોહીની ઉલ્ટી થયા બાદ મોત

છઠ્ઠા બનાવમાં મેટોડા આસ્થા વિલેજ મહાવીર પાર્કમાં રહેતો મુળ બિહારનો યુવાન દિલીપ રામસજીવન રાય (ઉ.વ.૨૯) એકાદ બે દિવસથી બિમાર હોઇ ગત સાંજે ઘરે લોહીની ઉલ્ટી થયા બાદ તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃતક કરિયાણાની દૂકાન ચલાવતો હતો અને બે ભાઇ એક બહેનમાં નાનો તથા કુંવારો હતો.

(11:48 am IST)