રાજકોટ
News of Friday, 12th April 2019

નંદનવનમાં જમીન-મકાનના ધંધાર્થીના ઘરમાંથી નેપાળી દંપતિ ૪.૫૬ લાખનો હાથફેરો કરી ગયું

રતન ખડકા અને તેની પત્નિ લક્ષ્મીને ૬ દિવસ પહેલા જ ઘરના કામકાજ માટે રાખ્યા'તાઃ ૯મીએ ઘરધણી કડીયા દંપતિ કામ સબબ અમદાવાદ ગયું ને પાછળથી નેપાળી દંપતિ ત્રીજા એક શખ્સ સાથે મળી ઘરમાંથી રોકડ-દાગીના ઉસડી છનનનઃ સીસીટીવીમાં દેખાયા

જ્યાં ચોરી થઇ તે મકાન, મકાન માલિક વલ્લતભાઇ ટાંક તથા ચોરી કરીને ભાગેલા નેપાળી દંપતિનો ફાઇલ ફોટો અને આ બંનેએ તોડેલી રસોડાની બારી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના કાલાવડ રોડ પર સ્વિમિંગ પુલ પાછળ નંદનવન સોસાયટી-૬માં અભિષેક વિલા ખાતે રહેતાં અને જમીન-મકાન લે-વેંચનું કામ કરતાં વલ્લભભાઇ દેવજીભાઇ ટાંક (કડીયા) (ઉ.૪૮)ના ઘરમાંથી રૂ. ૪,૫૬,૫૦૦ની ચોરી થઇ છે. ચોરીમાં તેણે હજુ છ દિવસ પહેલા જ ઘરમાં કામકાજ માટે રાખેલા નેપાળી પતિ-પત્નિ સહિત ત્રણની સંડોવણી ખુલતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે વલ્લભભાઇ ટાંકની ફરિયાદ પરથી રતન ખડકા સાઇ અને તેની પત્નિ લક્ષ્મી રતન સાઇ તથા અજાણ્યા એક શખ્સ સામે આઇપીસી ૩૮૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વલ્લભભાઇના કહેવા મુજબ તે જમીન-મકાન લે-વેંચનું કામ કરે છે અને પરિવાર સાથે રહે છે. સંતાનમાં બે પુત્રો છે. જેમાં એક ઓસ્ટ્રેલિયા ભણે છેઅને બીજો આણંદમાં અભ્યાસ કરે છે. તા. ૪/૪/૧૯ના રોજ ઘરના કામ માટે એક નેપાળી કપલને રાખ્યું હતું. જેના આઇકાર્ડમાં રતનબહાદુર ખડકબહાદુર સાઇ તથા લક્ષ્મી રતનબહાદુર સાઇ નામ હતાં. તા. ૯/૪ના રોજ વલ્લભભાઇ અને તેના પત્નિ કાર લઇને રાજકોટથી અમદાવાદ કામ માટે ગયા હતાં. પાછળથી ઘરે રતન અને તેની પત્નિ એકલા હતાં.

અમદાવાદમાં કામ પત્યા પછી વલ્લભભાઇ તેમના બહેન રસિલાબેન વરૂ કે જે અમદાવાદમાં જ રહે છે તેના ઘરે રોકાઇ ગયા હતાં. ૧૦મીએ સાંજે સાડા ચારેક વાગ્યે રાજકોટ આવવા નીકળ્યા હતાં. ત્યારે રસ્તામાં નોકર રતનને ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહતો. ઘરે દૂધ છાસ સંતોષ ડેરીમાંથી આવતાં હોઇ ત્યાં ફોન કરતાં તેણે જણાવેલ કે તમારા ઘરેથી કોઇ દુધ-છાશ લેવા આવ્યું જનથી. આથી વલ્લભભાઇએ કોઠારીયા રોડ પર રહેતાં ભાણેજ ભરતભાઇ અને ગિરીશભાઇને ઘરે તપાસ કરવા જવાનું કહેતાં બંનેએ ત્યાં પહોંચીને જોતાં ઘરમાં ચોરી થયાની ખબર પડી હતી. પાછળની બારી તુટેલી જોવા મળી હતી તેમજ કામે રાખેલા નેપાળી પતિ-પત્નિ ઘરમાં હાજર નહિ હોવાનું ભાણેજોએ કહ્યું હતું.

એ પછી વલ્લભભાઇ અને તેમના પત્નિએ ઘરે આવીને તપાસ કરતાં કબાટોને કોઇ સાધનથી તોડી અંદરથી રોકડ-દાગીના ચોરી લેવાયાની ખબર પડી હતી. મોબાઇલ ફોન, લેડીઝ ઘડીયાળો, જેન્ટસ ઘડીયાળો, હેન્ડી મૂવી કેમેરો, સાદો કેમેરો, લેડીઝનું સોનાનું લોકેટ, બે સોનાની ચેઇન, સોનાનો પેન્ડન્ટ સેટ, વીંટીઓ, નથણી, ચાંદીના સાંકળા, ઓસ્ટ્રેલિયન ડોલર, અમેરિકન ડોલર, ભારતીય ચલણના રૂપિયા મળી કુલ રૂ. ૪,૫૬,૫૦૦ની માલમત્તા ગાયબ જણાઇ હતી.

પોતાના મકાનની સામેના ભાગે આવેલા સીસીટીવી કેમેરા વલ્લભભાઇએ ચેક કરાવતાં નેપાળી રતન સાઇ અને તેની પત્નિ તથા અન્ય એક અજાણ્યો શખ્સ મળી મકાનના પાછળના ભાગે રસોડાની બારી તોડી અંદર પ્રવેશતાં દેખાયા હતાં. આમ આ બંને જ ત્રીજા એક સાથે મળી હાથફેરો કરી ગયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટીના પી.આઇ. એ.એલ. આચાર્યની રાહબરીમાં પીેએસઆઇ જે. એમ. સોંદરવા સહિતની ટીમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)