રાજકોટ
News of Friday, 12th April 2019

કાઠી યુવાનની હત્યામાં એક પોલીસમેન સહિત બે સકંજામાં: બીજો પોલીસમેન અને સાગ્રીત હાથવેંતમાં

ભાનમાં આવેલા અભિલવએ મામલતદાર સમક્ષ ડાઇંગ ડિકલેરેશનમાં ફરિયાદ મુજબની જ વિગતો જણાવી

હત્યાનો ભોગ બનેલા કુલદીપ ખવડ અને જેના આરોપીમાં નામ ખુલ્યા છે તે પોલીસમેન વિજય ડાંગર તથા હિરેન ખેરડીયાના ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૨: બુધવારે મોડી રાત્રે પોણા બારેક વાગ્યે યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્ષચેન્જ તરફ જતા રોડની સાઇડમાં પુલ નીચે આઝાદ ગોલા સામે  જસદણના કાઠી યુવાન કુલદીપ ચાંપરાજભાઇ ખવડ (ઉ.૨૨)ની હત્યા અને તેના મિત્ર  અભીલવ ઉર્ફ લાલભાઇ શિવકુભાઇ ખાચર (ઉ.૨૬)ની હત્યાની કોશિષની ઘટનામાં શહેર પોલીસના બે કોન્સ્ટેબલ સહિત ૭ શખ્સોને પોલીસ શોધી રહી છે. ગોલા ખાવા કાઠી યુવાનો અને તેના મિત્રો ઉભા રહ્યા ત્યારે બે પોલીસમેન અને તેના મિત્રોએ સામુ જોઇ દેકારો કરી ગાળો ભાંડતા થયેલી બબાલમાં વાત વણસતાં હત્યા-હત્યાની કોશિષનો બનાવ બન્યો હતો. હત્યા બાદ ફરાર થઇ ગયેલા બે પોલીસમેન અને અન્ય એકનું નામ ખુલ્યું હોઇ તે ત્રણેયના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતાં. તેમજ ત્રણેયના પરિવારજનોને પુછતાછ માટે બોલાવાયા છે. બીજી તરફ અભિલવ કાઠી જે વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ છે તે ભાનમાં આવી જતાં મામલતદાર દ્વારા ડીડી નોંધાયું છે. તેણે તેમાં ફરિયાદ મુજબની જ વિગતો આપી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ આરોપીઓ પૈકી એક કોન્સ્ટેબલ હિરેન ખેરડીયા સહિત બે હાથમાં આવી ગયા છે અને બીજા પોલીસમેન સહિત બે શખ્સો સાંજ સુધીમાં સકંજામાં આવે તેવી શકયતા છે.

પોલીસે આ ઘટનામાં મુળ બોટાદ જીલ્લાના ગઢડા તાબેના ઇતરીયા ગામે દરબાર ગઢ પ્રાથમિક શાળા પાસે રહેતાં અને હાલ રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે સરદારનગર વેસ્ટ શેરી નં. ૨માં શિવશકિત એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં તથા સ્વીગી નામની ફૂડ ડિલીવરી કંપનીમાં પાંચ માસથી નોકરી કરતાં દેવેન્દ્ર ઉર્ફ બાઉ હરેશભાઇ ઉર્ફ બાબાભાઇ ધાધલ (ઉ.૨૩) નામના કાઠી યુવાનની ફરિયાદ પરથી અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડીયા, વિજય ડાંગર અને બીજા ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૨૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ રાયોટીંગ, હત્યા, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

દેવેન્દ્ર ઉર્ફ બાઉ ધાધલ તથા જસદણથી આવેલા તેના મિત્રો મિત્રો કુલદીપ  ખવડ, અભીલવ ઉર્ફ લાલભાઇ ખાચર એમ ત્રણેય યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકથી આગળ મહાદેવ રેસ્ટોરન્ટ ખાતે જમવા ગયા હતાં. જ્યાં બીજા મિત્રો ભગીરથ ઉર્ફ ધરમ અનકભાઇ વાળા (રહે. રાણપર નડાળા તા. બાબરા), સાગર જગદીશભાઇ વાળા (રહે. જસદણ) તથા નિકુંજ હરેશભાઇ જાની (રહે. રાજકોટ) પણ જમવા આવ્યા હતાં. એ પછી બધા ઇન્દિરા સર્કલ પાસે આઝાદ ગોલા નામની દૂકાને ગોલા ખાવા ગયા હતાં અને ત્યારે સામેની સાઇડમાં પુલ નીચે ઉભેલા છ-સાત શખ્સોએ આ બધા મિત્રોની સામે જોઇ દેકારો કરી ગાળો બોલતાં અભિલવ ખાચરે ત્યાં જઇ તેને સમજાવતાં ઝઘડો થયો હતો અને બાદમાં એક શખ્સે અભિલવને છરી ઝીંકી દેતાં તે ભાગતાં અને બીજા મિત્રોને પણ ભાગવાની બૂમ પાડતાં બધા ભાગ્યા હતાં. એ વખતે કુલદીપને ત્રણ જણાએ ઘેરી લઇ આડેધડ અઢાર જેટલા છરીના ઘા ઝીંકી દેતાં તે ઢળી પડ્યો હતો.

અભિલવ અને કુલદીપ બંનેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં કુલદીપે દમ તોડી દીધો હતો. હત્યા-હત્યાના પ્રયાસની ઘટનામાં પોલીસ તપાસમાં બે પોલીસમેન હિરેન ખેરડીયા તથા વિજય રાયધનભાઇ ડાંગર અને વિજયના મિત્ર અર્જૂનસિંહ ચૌહાણ તથા અજાણ્યા ચાર શખ્સો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની ટીમે સાંજે જેના નામ ખુલ્યા છે તે બંને પોલીસમેન તથા અર્જુનસિંહના ઘરે દરોડો પાડી જડતી લીધી હતી. પણ ત્રણેય મળ્યા નહોતાં. પોલીસે ત્રણેયના પરિવારજનોને પુછતાછ માટે પોલીસ મથકે બોલાવી ત્રણેયને હાજર થવા દબાણ વધાર્યુ છે. બીજી તરફ અભિલવ જે સારવાર હેઠળ છે તે ભાનમાં આવી જતાં સાંજે પોલીસે મામલતદારશ્રીને બોલાવી ડી.ડી. (ડાઇંગ ડિકલેરેશન) લેવડાવ્યું છે. જેમાં ફરિયાદ મુજબની જ વિગતો જણાવાયાનું જાણવા મળે છે. પોલીસની ટીમોએ જેના નામ ખુલ્યા છે એ ત્રણેયના આશ્રયસ્થાનો અને તેના મિત્રોના ઘરે પણ તપાસ કરી હતી. દરમિયાન કોન્સ. હિરેન ખેરડીયા અને બીજો એક શખ્સ હાથમાં આવી ગયા છે. બાકીના બે સાંજ સુધીમાં હાજર થાય તેવી શકયતા છે. પકડાયેલાઓએ પણ ફરિયાદ મુજબની વિગત દોહરાવી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી,  ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘૂઘલ, રશ્મીનભાઇ પટેલ, વનરાજ લાવડીયા, દિવ્યરાજસિંહ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

ઉતરાયણને દિવસે પટેલ યુવાન પર છરીથી હુમલો કરનાર શખ્સ કોન્સ.વિજય ડાંગર હોવાની ચર્ચા

જો કે ફરિયાદી સામે વિજયને રજૂ કરાયો ત્યારે તેણે ઓળખ્યો નહોતો

. કાઠી યુવાનની હત્યામાં હાલ પ્ર.નગરમાં ફરજ બજાવતાં પોલીસમેન વિજય રાયધનભાઇ ડાંગરનું અને ટ્રાફિક બ્રાંચના કોન્સ્ટેબલ હિરેન ખેરડીયાનું નામ ખુલ્યું હોઇ એવી ચર્ચા પોલીસબેડામાં વહેતી થઇ છે કે ગત ઉતયરાણના દિવસે સહકાર રોડ પર એક પટેલ યુવાન પર અગાસીએ સુતળી બોમ્બ ફોડવા બાબતે માથાકુટ થતાં વિજય ડાંગર નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો. આ મામલે ભકિતનગર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. પોલીસે જે તે વખતે તપાસ કરી વિજય ડાંગર નામના શખ્સની શોધખોળ આદરી હતી પણ કોઇ મળ્યું નહોતું. ત્યારપછી પોલીસમેન વિજય ડાંગર હોવાની શંકાએ ફરિયાદી સમક્ષ તે વખતે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં વિજય ડાંગરને રજૂ કરાયો હતો. પરંતુ તેણે હુમલાખોર આ વિજય ડાંગર નહિ હોવાનું કહ્યું હતું. પટેલ યુવાનને ત્યારે છરી ઝીંકનાર વિજય ડાંગર કોણ? તે રહસ્ય હજુ અકબંધ છે.

વિજયના પિતા રાયધનભાઇ ડાંગર રૂરલ એલસીબીના કર્મચારી

. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હત્યાના ગુનામાં ફરાર પોલીસમેન વિજય ડાંગરના પિતા રાયધનભાઇ ડાંગર પણ પોલીસ કર્મચારી છે અને હાલમાં રૂરલ એલસીબીમાં ફરજ બજાવે છે. પોલીસે તેમને  પુત્રને હાજર કરવા જણાવ્યું છે.

(3:48 pm IST)