રાજકોટ
News of Tuesday, 12th February 2019

એઈમ્સ માટે ખાનગી જમીન ધરાવતા ખેડૂતો માની ગયાઃ શુક્રવારથી વિંછીયા-પડધરીમાં ઘાસ વિતરણ

મગફળી ખરીદી પ્રક્રિયા પુરીઃ ૩૪ હજારથી વધુ ખેડૂતો પાસેથી ૭૫ લાખ મેટ્રીક ટન ખરીદાઈ : ઈનપુટમાં ૬ તાલુકાના ૧ લાખ ૪૦ હજાર ખેડૂતોને ૧૨૦ કરોડનું ચૂકવણું

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે રાજકોટ નજીક ખંઢેરી પાસે બનનાર એઈમ્સ માટે ૩ હેકટર જેટલી ખાનગી જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો સાથે મીટીંગ કરી લેવાઈ છે અને તમામ ચારેય ખેડૂતોએ સંમતિ આપી દીધી છે.

આ માટે સંપાદન અધિકારીની નિમણૂંક કરી લેવાઈ છે. ૩ હેકટર જમીન અંગે રાજ્ય સરકારને દરખાસ્ત કરાઈ છે. આ ૪માંથી ૩ ખેડૂત પરાપીપળીયાના અને એક ખંઢેરીના છે. આ લોકોને માટે હાલ ભાવ ફાઈનલ થયા નથી પરંતુ ૨ હજારથી ૨૫૦૦ આસપાસ રહે તેવી શકયતા છે.

અછત સંદર્ભે તેમણે કહ્યુ હતુ કે, આગામી ૨ થી ૩ દિ'માં વિંછીયા-પડધરી તાલુકામાં ઘાસકાર્ડનું વિતરણ શરૂ કરી દેવાશે. વિંછીયામાં ૨૯ હજાર આસપાસ તો પડધરીમાં ૯ હજાર આસપાસ પશુ છે. કિલોના બે રૂ. લેખે રોજનું ૪ કિલો ઘાસ અપાશે.

મગફળી ખરીદી અંગે શ્રી પંડયાએ ઉમેર્યુ હતુ કે, લગભગ ખરીદી પ્રક્રિયા પુરી થઈ છે. જીલ્લામાં કુલ ૩૫ હજાર ખેડૂતો પાસેથી ૭૫ લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી થઈ છે અને ૩૫ કરોડનું ચુકવણુ કરી દેવાયુ છે.

કૃષિ ઈનપુટ અંગે તેમણે ઉમેર્યુ હતુ કે, રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, જસદણ, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી આ ૬ તાલુકાના ૧ લાખ ૩૮ હજાર ખેડૂતોને ૧૨૦ ચૂકવી દેવાયા છે. જ્યારે અછતગ્રસ્ત પડધરી-વિંછીયાના ૨૮ હજાર ખેડૂતોને ૩૧ કરોડનું ચુકવણુ કરી લેવાયુ છે. સરેરાશ ૮૦ ટકા આસપાસ કામગીરી કરી લેવાઈ છે.(૨-૧૯)

(3:37 pm IST)