રાજકોટ
News of Tuesday, 12th February 2019

શહેરના ૪ વોર્ડમાં ડ્રેનેજ ફરિયાદ નિકાલ - વાવડીમાં ડ્રેનેજની મુખ્ય લાઇન નંખાશે

કરોડોના કામો સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર કરાવતા ડ્રેનેજ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા

રાજકોટ તા. ૧૨ : મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા  જણાવે છે કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં વોર્ડ નં. ૨ તથા ૩ માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાનું કામ તથા વોર્ડ નં. ૪ અને ૫ (પેડક ફરિયાદ કેન્દ્ર)માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટરની ફરિયાદ નિકાલ કરવાનું કામ તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભળેલ વોર્ડ નં.૧૨ માં આવેલ વાવડી વિસ્તારમાં આશરે ૫૬૦૦૦.૦૦ રનીંગ મીટર ડ્રેનેજની મુખ્ય લાઈન તથા ૮૧૫૦ હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાની કામગીરી કરવાનું મંજુર કરવામાં આવેલ છે.

જાગૃત કોર્પોરેટરો દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ જુદા જુદા લોકઉપયોગી કામો કરાવવામાં આવે છે. તેવા જ કામના એક ભાગ રૂપે અંતર્વાહક સુએજ લાઈન નેશનલ હાઈ-વે-૮-બીના પુલથી પોપટપરા સુધી આજી નદીના પશ્ચિમ કિનારે પુનઃ વિકાસના કામે લાઈન નાખવાના કામ આશરે ૩૦૦ મી.મી. ડાયા.ના ૧૨૫૦, ૪૫૦ મી.મી. ડાયા.ના ૨૩૫૦, ૬૦૦ મી.મી. ડાયા.ના ૨૪૦૦, ૮૦૦ મી.મી. ડાયા.ના ૨૦૦૦, ૯૦૦ મી.મી. ડાયા.ના ૯૫૦, ૧૨૦૦ મી.મી. ડાયા.ના ૩૦૦ રનીંગ મીટરમાં તેમજ એક ડીસેન્ટ્રલાઈઝ વેસ્ટ સિસ્ટમની કામગીરી કરવામાં આવશે.

ઉપરોકત ચારેય કામ માટે આશરે રૂ.૩૦,૩૪,૯૧,૮૨૩નું કામ મંજુર કરવામાં આવેલ છે. તેનાથી રાજકોટ શહેરના નગરજનોને વધુ સારી ડ્રેનેજની સુવિધા મળી રહેશે તેમ વધુમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવેલ છે.

(3:31 pm IST)