રાજકોટ
News of Tuesday, 12th February 2019

૧૩ કરોડની ઠગાઇમાં પિતા બાદ પુત્ર મિહીર સોલંકીની પણ ધરપકડ

ઢેબર રોડ પ્લેનરી આર્કેડમાં ઓફિસ ટેકસમાં ફાયદો કરાવી આપવાની લાલચ આપી ૨૩ લોકોને શીશામાં ઉતાર્યા હતાં : ૨૦૧૬માં ગુનો નોંધાતા રાજકોટ મુકી ગાંધીનગરના સરગાસણ ગામે રહેવા જતો રહ્યો હતોઃ ભકિતનગર પોલીસે જંકશન પ્લોટમાંથી દબોચ્યોઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા.૧૨: ઢેબર રોડ પર પ્લેનરી આર્કેડમાં કલાસિક આર્ટ નામે ઓફિસ ધરાવતાં અને પ્લેનરી આર્કેડના એસોસિએશનનો કાર્યભાર સંભાળતા વેપારી અમિતભાઇ બટુકભાઇ દોશી (ઉ.૪૦) નામના વણિક યુવાન સહિતના લોકોને વિશ્વાસમાં લઇ જુદી-જુદી રકમો ઉછીની લીધા બાદ પરત ન આપી કુલ રૂ. ૧ કરોડ ૪૫ લાખની ઠગાઇ કરી ટેકસ સલાહકાર પિતા-પુત્ર રફુચક્કર થઇ જતાં ભકિતનગર પોલીસે આ મામલે સાડા ત્રણ વર્ષ પહેલા એપ્રિલ-૨૦૧૬માં રૂ. ૧ કરોડ ૪૫ લાખની ઠગાઇનો ગુનો ટેકસ સલાહકાર તુલસી ઇશ્વરભાઇ સોલંકી (દરજી) (ઉ.૫૯-રહે. ભકિતનગર સોસાયટી માર્ગ નં. ૧) તથા તેના પુત્ર મિહીર સોલંકી સામે દાખલ કર્યો હતો. તપાસમાં આ બંને બાપ-દિકરાએ કુલ ૨૩ લોકો સાથે ૧૩ કરોડની ઠગાઇ કર્યાનું જે તે વખતે ખુલ્યું હતું. સાડા ત્રણ વર્ષથી સતત ફરાર એવા તુલસી સોલંકીને અમદાવાદથી ગયા મહિને ઝડપી લેવાયો હતો. તેણે નાણા વ્યાજમાં અને હવાલામાં વપરાઇ ગયાનું અને પોતે આટલો સમય સુધી ધાર્મિક સ્થળોએ ઘૂમતા રહ્યાનું રટણ કર્યુ હતું. હવે આ ગુનામાં તેના પુત્ર મિહીર તુલસીભાઇ સોલંકી (ઉ.૩૦)ને જંકશન પ્લોટમાંથી ઝડપી લેવાયો છે.

બનાવ અંગે પોલીસે અમિતભાઇની ફરિયાદ પરથી પ્લેનરી આર્કેડમાં જ બીજા માળે ઓફિસ નં. ૨૨૫ થી ૨૨૯માં બેસતાં ટેકસ સલાહકાર તરીકે કામ કરતાં તુલસીભાઇ ઇશવરભાઇ સોલંકી અને તેના પુત્ર મિહીર તુલસીભાઇ સોલંકી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદી અમિતભાઇના જણાવ્યા મુજબ એક જ કોમ્પલેક્ષમાં ઓફિસ હોવાથી તેને અને તુલસીભાઇને મિત્રતા અને વેપારી તરીકેના સારા સંબંધો હતાં. જુન ૨૦૧૪માં તુલસીભાઇ અને તેના દિકરાએ ધંધાના વિકાસ માટે પૈસાની જરૂર હોવાનું કહેતાં અમિતભાઇએ વિશ્વાસે ૪ લાખ દીધા હતાં. તેની પ્રોમીસરી નોટ પણ રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખી આપી હતી. જો કે મુદ્દત વિતવા છતાં આ પિતા-પુત્ર પૈસા પાછા આપતા નહોતાં. વારંવાર ઉઘરાણી કરતાં એક ચેક આપ્યો હતો. તે ચેક પણ રિટર્ન થઇ ગયો હતો.

ત્યારબાદ બંનેએ ઓફિસે આવવાનું બંધ કરી દીધુ હતું. તેના રહેણાંકે ભકિતનગર સર્કલ પાસે તપાસ કરતાં ત્યાં પણ મળ્યા નહોતાં. વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે આ બંને પિતા-પુત્ર હર્ષદભાઇ રમણિકલાલ ચોૈહાણના રૂ. ૧૦ લાખ, બિપીનભાઇ ડોબરીયાના રૂ. ૨૫ લાખ, અનિલભાઇ પોપટભાઇ અદોદરીયાના રૂ. ૧૦ લાખ, વજુભાઇ પિતાંબરભાઇ ઘેટીયાના રૂ. ૧૧,૫૦,૦૦૦, કૃષ્ણભાઇ ભગવાનજીભાઇ પરસાણીયાના રૂ. ૩ લાખ, મનસુખભાઇ અદોદરીયાના રૂ. ૧,૫૦,૦૦૦, પોપટલાલ મનજીભાઇ અદોદરીયાના રૂ. ૬ લાખ મળી કુલ ૧ કરોડ ૪૧ લાખના ઉઘરાણા કરી ભાગી ગયાનું પ્રથમ ફરિયાદમાં નોંધાયું હતું. એ પછી બીજા ભોગ બનનારા પણ સામે આવતાં કુલ તેર કરોડની ઠગાઇનું લિસ્ટ થયું હતું. આ ગુનામાં તુલસી સોલંકીની ધરપકડ અગાઉ થઇ હતી.

દરમિયાન ભાગડુ આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી જે. એસ. ગેડમે આપી હોઇ આ ગુનામાં ફરાર તુલસીનો પુત્ર મિહીર સોલંકી રાજકોટ જંકશન પ્લોટમાં આવ્યાની પાક્કી માહિતી હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા અને હિરેનભાઇ પરમારને મળતાં પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં. પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, મહેન્દ્રસિંહ ડોડીયા, હિરેનભાઇ પરમાર, સલિમભાઇ મકરાણી, કોન્સ. વાલજીભાઇ જાડા, વિક્રમભાઇ ગમારા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતે મિહીરને પકડી લઇ રિમાન્ડની તજવીજ આદરી છે.

ગુનો નોંધાયા બાદ મિહીર અને તેના પિતા રાજકોટ ભકિતનગર સોસાયટીનું મકાન છોડી ભાગી ગયા હતાં. હાલ મિહીર ગાંધીનગરના સરગાસણ ગામે શરણમ રેસિડેન્સીમાં રહેતો હતો.

(3:18 pm IST)