રાજકોટ
News of Tuesday, 12th February 2019

અટીકામાંથી યુવાનની માથું છૂંદાયેલી લાશ મળી

આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનના જમણા હાથે અંગ્રેજીમાં 'બાદલ' ત્રોફાવેલુ છેઃ કોઇ ભારે વાહનનું વ્હીલ ફરી વળ્યું કે પથ્થરથી કોઇએ માથું છૂંદી નાંખ્યું?...એફએસએલની મદદથી તપાસ શરૂ કરતી ભકિતનગર પોલીસ

જ્યાંથી માથુ છુંદાયેલી લાશ મળી તે સ્થળ, તપાસાર્થે પહોંચેલા પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, હિરેનભાઇ સહિતની ટીમ જોઇ શકાય છે (ફોટોઃસંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે એક યુવાનની માથું છૂંદાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કોઇએ જાણ કરતાં ભકિતનગર પોલીસની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ યુવાનના માથા પર કોઇ ભારે વાહનનું વ્હીલ ફરી વળતાં મોત નિપજ્યું છે કે પછી કોઇએ પથ્થર કે બીજા કોઇ પદાર્થ ફટકારી માથું છૂંદી નાંખી હત્યા કરી? તે જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી છે.

જાણવા મળ્યા મુજબ અટીકા ફાટક નજીક અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.  ૧૦/૩ના ખુણે એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, હિરેનભાઇ, વિક્રમભાઇ સહિતનો સ્ટાફ તથા ડી. સ્ટાફની ટીમ તાકીદે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇને જોતાં આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની માથું છૂંદાઇ ગયેલી લાશ જોવા મળી હતી. આ યુવાનના જમણા હાથમાં અંગ્રેજીમાં 'બાદલ' ત્રોફાવેલુ છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી.

લાશ મળી ત્યાં ટાયરના નિશાન પણ દેખાયા છે. આ યુવાનના માથા પર ટ્રક કે બીજા કોઇ ભારે વાહનનું વ્હીલ ફરી વળતાં અકસ્માતે મોત નિપજ્યું કે પછી બીજી કોઇ ઘટના બની? તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. એફએસએલની મદદથી પોલીસે તપાસ શરૂ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ આદરી છે. લાશ જ્યાંથી મળી ત્યાં નજીકમાં સીસીટીવી કેમેરા નથી. આસપાસના બીજા કારખાનાઓમાં કેમેરા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. મૃતક વિશે કોઇને માહિતી હોય તો ભકિતનગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૯૪૦૫૮ ઉપર સંપર્ક કરવો. (૧૪.૮)

 

(11:23 am IST)