રાજકોટ
News of Monday, 11th February 2019

'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ભારતીય યુવા વૈજ્ઞાનિકો તૈયાર કરવાનું પ્રેરક બળ : વિજયભાઈ રૂપાણી

અર્પિત ઇન્ટરનેશનલ સી.બી.એસ.સી સ્કૂલ ઉદ્દઘાટન, રાષ્ટ્રીય ગણિત સંમેલન અને યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારોહ યોજાયો : એવોર્ડ અર્પણ

રાજકોટ તા. ૧૧ : રાજકોટ પાસે હડાળા ખાતે આવેલ અર્પિત ઇન્સ્ટિટ્યૂટના સી.બી.એસ.સી. સ્કૂલ ઉદઘાટન, રાષ્ટ્રીય ગણિત સંમેલન તેમજ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારંભનું મંગલદીપ પ્રગટાવીને ઉદદ્યાટન કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાર્થીઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, આપણા યુવાનો દુનિયાની સામે હરિફાઇ કરવા માટે ખુબજ સક્ષમ અને ઉધમી છે અને ખુબજ પ્રતિભાશીલ છે, તેમને જરૂર છે પુરતું વિકાસલક્ષી વાતાવરણ મળી રહે અને ઉંચી ઉડાન ભરી શકે, તેમની આશા અને અપેક્ષાઓ પુર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કટીબધ્ધ છે.

યુવાનો માટે પોતાની તાકાત અને હુંન્નર વિશ્વને દેખાડી શકે તે માટે માનનિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડીયા, સ્કિલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મુકી હોવાનું તેમણે જણાવ્યું હતું.

શ્રી રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિધાર્થી જીવનમાં જીજ્ઞાશાવૃતિ વધારે તીવ્ર હોય તે જરૂરી છે બાળકોને નાનપણથી જ વિજ્ઞાન અને ગણીત જેવા વિષયોમાં રસ રૂચી વધે, આવા વિષયો વધારે સરળતાથી સમજી શકે અને તેના પ્રત્યે વધુમાં વધુ લગાવ વધે તે માટે સરકાર ધ્વારા વિજ્ઞાન મેળાઓ તેમજ વિજ્ઞાનોગષ્ઠી જેવા શાળાકિય કાર્યક્રમોનું રાજય સરકાર દ્વારા વિશેષ રૂપે આયોજન કરવામાં આવી રહયાનું જણાવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, વસંતપંચમી એ જ્ઞાનની પંચમી છે. ત્યારે આજના વસંતપંચમીના દિવસે આ જ્ઞાનનાં મહા ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થાને અંભિનંદનનિય હોવાનું અને નવાભારતનાં નિમાર્ણ માટે આવા કાર્યક્રમો ખુબજ ફળદાઇ બની રહેતા હોય છે.

મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે વિશ્વને ખગોળવિજ્ઞાનની ભેટ એ ભારતની દેન છે. વિજ્ઞાન અને ગણીત વિશ્વને સત્યની નજીક દોરીજનાર માધ્યમ છે. ત્યારે સૌ કોઇએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વ કલ્યાણ અર્થે થવો જોઇએ.

રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રતિભાશીલ યુવા વૈજ્ઞાનિકો સર્વશ્રી ડો. ટી.પી. શર્મા, ડો. મોહરસિંહ સોલંકી, ડો. કે.ભાનુમૂતિ, પ્રો. અજયરાજાને એવોર્ડ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

વૈજ્ઞાનિકો સર્વેશ્રી સી. એમ. નૌટિયાલ, જે. જે. રાવલ , બી એન રાવે વિજ્ઞાન અને ગણિતની રસપ્રદ માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી ,અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, જીયુઈઈડીસી- ગાંધીનગરના ચેરમેનશ્રી બી.એચ. ઘોડાસરા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ મેતલીયા, સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, શ્રી પુષ્કરભાઈ પટેલ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા ,પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)