રાજકોટ
News of Monday, 11th February 2019

ખોડિયારનગરના સગર્ભા જ્યોત્સનાબા જાડેજાનું બેભાન હાલતમાં મોત

માધાપર ચોકડી પાસે રહેતાં રાજુભાઇ જીયા, માલિયાસણના વૃધ્ધ રામજીભાઇ રાઠોડ અને યાર્ડમાં ગોરધનભાઇ રાઠોડએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સગર્ભા મહિલા સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા છે. આજી વસાહત પાસે ૮૦ ફુટ રોડ ખોડિયારનગરમાં રહેતાં જ્યોત્સનાબા જયદિપસિંહ જાડેજા (ઉ.૩૩) નામના મહિલા રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને હાલ સારા દિવસો જઇ રહ્યા હતાં. ન્યુમોનિયા થઇ ગયાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં માધાપર ચોકડી નજીક શ્રી હરિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં રિક્ષાચાલક રાજુભાઇ કાનજીભાઇ જીયા (રજપૂત) (ઉ.૪૨)ને સવારે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

ત્રીજા બનાવમાં માલિયાસણ રહેતાં રામજીભાઇ નાથાભાઇ ચાવડા (ઉ.૬૦) નામના વણકર વૃધ્ધ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેકથી મોત નિપજ્યાનું તપાસમાં ખુલ્યું હતું. કુવાડવાના એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને જયંતિભાઇ વાવડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં હરિ ધવા રોડ પર શ્રધ્ધા સોસાયટીમાં રહેતાં ગોરધનભાઇ રાજાભાઇ રાઠોડ (ઉ.૭૦) નામના વૃધ્ધ રવિવારે સવારે જુના માર્કેટ યાર્ડના બટેટા વિભાગ પાસે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. બી-ડિવીઝનના એએસઆઇ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:39 pm IST)