રાજકોટ
News of Tuesday, 12th February 2019

સ્થા.જૈન મોટા સંઘની ચૂંટણી જાહેરઃ મતદાન યોજાશે કે પછી બીનહરીફ?

ઉપપ્રમુખ, બે મંત્રી, ખજાનચી અને ૧૭ કારોબારીઓને ચૂંટી કઢાશે : તા.૩ માર્ચે મતદાન, તે જ દિવસે મતગણતરીઃ તા.૧૮- ૧૯ ફોર્મ મેળવી શકાશેઃ તા.૨૦ના રોજ જમા કરવવાનું રહેશેઃ ૨૨મીએ ચકાસણી જયારે ૨૪મીએ ઉમેદવારી પરત ખેંચી શકાશેઃ ૨૫ અથવા ૨૬મીએ ફાઈનલ લીસ્ટ બહાર પડાશે

રાજકોટ,તા.૧૧: સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચુંટણીની જાહેરાત થઈ ચુકી છે. જેમાં ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી અને કારોબારીઓને ચુંટવામાં આવનાર છે.

પૂ.ધીરજમુની નિશ્રામાં ૨૦૧૫માં યોજાયેલ ચુંટણીમાં ભારે રસાકસી થયેલ પણ પ્રમુખ અને ટ્રસ્ટીઓની મુદ્ત પુરી થતી ન હોય તેમની ચુંટણી હવે પછી યોજાશે. જયારે અત્યારે સ્થાનકવાસી જૈન મોટા સંઘ રાજકોટ દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવતા સ્થાનકવાસી સમાજમાં થોડા દીવસોમાં ચહલ- પહલ જોવા મળશે.

આ ચુંટણીમાં એક ઉપ પ્રમુખ, બે મંત્રીઓ, એક ખજાનચી અને કારોબારીના ૧૭ સભ્યો મળી કુલ ૨૧ સભ્યોની ૩ વર્ષની મુદ્ત પુરી થતી હોય આ ચુંટણી જાહેર થઈ છે. જેનું મતદાન તા.૩ માર્ચને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યે વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ, કોઠારીયા નાકા ખાતે થશે અને મતદાન બાદ તુરંત જ મતગણતરી શરૂ થશે.

આ ઉપરાંત ઉમેદવારી પત્રો તા.૧૮ અને ૧૯ના રોજ સવારે ૧૧ થી ૧ દરમિયાન ચુંટણી કાર્યાલયથી ઓળખકાર્ડ બતાવી મેળવી શકાશે. તેમજ આ ઉમેદવારી પત્ર ભરીને તા.૨૦ને સવારે ૧૧ થી ૧ દરમિયાન પરત કરવાનું રહેશે. ચકાસણી તા.૨૨ના રોજ હાથ ધરાશે. જયારે ઉમેદવારી તા.૨૪ બપોર સુધીમાં પરત ખેંચી શકાશે. ત્યારબાદ તા.૨૫ કે તા.૨૬ના રોજ ઉમેદવારોની ફાઈનલ યાદી બહાર પડાશે.

સ્થાનકવાસી જૈન મોટા સંઘની જાહેર થયેલ. ચૂંટણીને લઈને ઉત્સુકતા વધશે કે નહીં તે તો આવનાર દિવસોમાં માલુમ પડશે. પણ પ્રમુખ- ટ્રસ્ટીઓ વગર યોજાનાર ચૂંટણીમાં પણ જૈન સમાજ કેવો ઉત્સાહ દર્શાવે છે તે જોવાનું રહ્યું.(૩૦.૯)

(3:34 pm IST)