રાજકોટ
News of Monday, 11th February 2019

જૂના રાજકોટની બજારોના મિલ્કત વેરામાં પાછલા બારણેથી ૧૦૦ ટકાનો વધારો ઝીંકી દેવાયેલઃ સ્ટેન્ડીંગે કાઢી નાંખ્યો

રાજકોટઃ. કમિશનરશ્રી દ્વારા મિલકત વેરા માટેના કાર્પેટ એરિયા ફેકટરમાં ૩૦ વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતી મિલકતના પરિબળ(ફેકટર)માં ૧૦૦ ટકા જેવો વધારો સૂચવવામાં આવેલ. જેને લીધે શહેરના ગામતળના અને જુના કોમર્શિયલ વિસ્તારો જેવા કે, કેનાલ રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, દ્યી કાંટા રોડ, સોનીબજાર, લાખાજીરાજ રોડ, ગરેડીયા કુવા રોડ, જયુબેલી માર્કેટ, મોચી બજાર, દાણાપીઠ, ભુપેન્દ્ર રોડ, કરણસિંહજી રોડ, કોઠારિયા નાકા, કડિયા નવલાઈન, પેલેસ રોડ વિગેરે તેમજ રહેણાંક વિસ્તારો જેવા કે, કરણપરા, પ્રહલાદ પ્લોટ, મીલપરા, ગુંદાવાડી, લક્ષ્મીવાડી, કેવડાવાડી, હાથીખાના વિગેરેમાં આવેલી અંદાજીત ૧,૪૦,૦૦૦ જેટલી મિલકતોના મિલકત વેરામાં અસહ્ય વધારો થાય તેમ હતો. પરંતુ, શાસકોએ આ બાબતે ઊંડી સમીક્ષા કરી અને એ નિષ્કર્ષ પર આવ્યા કે, વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં શહેરના ગામતળ અને જુના વિસ્તારોના રહેવાસીઓ તથા ધંધાર્થીઓ માટે વિશેષ કોઈ લાભ કે યોજના આપી શકાય તેમ નથી. જેથી તેના બદલામાં, કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલ જંગી મિલકત વેરા બોજ નામંજુર કરીને આ વિસ્તારના રહેવાસીઓને તેમજ ધંધાર્થીઓ માટે મોટી વેરા રાહત આપી છે.

(3:28 pm IST)