રાજકોટ
News of Monday, 11th February 2019

માથા સાટે મોંઘી વસ્તુ

મન ચડ્યું મોટપને પેટે રે, તેણે કરી સાહેબસે છેટે રે, ભોજો ભગત કહે ભાવ વિનાના, ભૂધર કેમ ભેટે રે.

આપણા મનની લીલાઓ અપરંપાર છે. બધી ઇન્દ્રિયો અને શરીરને તે વશમાં રાખીને તેને મર્કટની જેમ નચાવે છે. ઋષિઓએ આ દેહને રથ કહ્યો છે. દશ ઇન્દ્રિયોના અતિ બળવાન અશ્વો એમાં જોડવામાં આવ્યા છે. દશ ઇન્દ્રિયોથી ખેંચાતો દેહનો આ 'દશરથ' કૈકેયી જેવી વિષયવાસનાઓને વશ થઈ 'આતમ-રામ'ને દેશવટો દઈ દે છે! મન, એનો સારથિ છે. એ ધારે તો અશ્વોને સંયમમાં રાખી, તેને સન્માર્ગે વાળે, અને રથ, પ્રભુના પરમ-ધામના મુકામે પહોંચી શકે. પરંતુ મોટે ભાગે મોહની ! મદિરાથી મતવાલા બનેલા મનને મોટાઈ ગમે છે. ધન-દોલત અને માલખજાનાની મોટાઈમાં એ અટવાઈ જાય છે, ભટકયાં કરે છે અને અંતે એના હાથમાં કશું નથી આવતું, ભોગવિલાસ અનિત્ય છે, ભગવાન નિત્ય છે. અનિત્યની પાછળ દોડતું મન, નિત્યથી દૂર અને દૂર થતું જાય છે. ભોજા ભગત કહે છે કે મન, જો મોટાઈ રાખે તો સાહેબ એટલે પરમાત્માથી એને છેટુ પડી જાય છે. પરમ તત્ત્વ તો 'માથું મૂકી મેળવવાની વસ્તુ' છે, પ્રીતમે યોગ્ય જ કહ્યું છે. 'માથા સાટે મોંધી વસ્તુ સાંપડવી નહીં સહેલ જો ને.

પરમાત્માનું દર્શન કરવા માટે અંતરનો સાચો પ્રેમભાવ મહત્ત્વની વસ્તુ છે. એ હોય તો ભુધર એટલે શ્રીહરિ સામે ચાલીને ભકતને ભેટવા આવે છે. ભકતને ભગવાન પાસે જવું પડતું નથી. ભગવાન ભકતને આંગણે આવે છે. વિષ્ણુ ભગવાને નારદ ઋષિને ખાત્રી આપતાં કહ્યું છે : 'મદભકતાઃ યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ  નારદ!' હે નારદ! મારા ભકતો , જયાં મારા માટે કીર્તન કરે છે, ત્યાં હું રહું છું. પરંતુ આવો ભાવ ન હોય અને પૂજાની મહામૂલ્યવાન સામગ્રી ધૂપ-દીપ કે ભાત ભાતના મેવા. મિષ્ટાન્નનાં નૈવેદ્ય અને ભોગ લગાવવામાં આવે તોપણ ભગવાન એનો ભાવ પૂછતા નથી.

ભોજા ભકતના જીવનમાં પણ આ અલૌક્કિ ઘટના ઘટી હતી. સાક્ષાત્ દ્વારિકાધીશ સામે ચાલીને ભોજા ભકતના ઓરડામાં તેને દર્શન દેવા આવ્યા હતા અને તેની બન્ને ભુજાઓ ઉપર તેની 'છાપ' પાડી દીધી હતી. સ્વયં ભોજા ભકત આ સાક્ષાત્કારનું વર્ણન કરતાં ગાયું છે :

એક સમે, મુજ પાસ હરિ આવ્યા

અનહદ રૂપ અપારા,

પ્રીતિ હતી. કાંઈ પૂરવ જનમની

નીર ખ્યાં નંદકુમારા.(૩૭.૨)

મનસુખલાલ સાવલીયા રાજકોટ - મો.૯૮૭૯૩ ૧૨૪૫૪

(11:41 am IST)