રાજકોટ
News of Monday, 11th February 2019

સ્વાઇન ફલૂના વધુ બે દર્દી જસદણના સાણથલી અને જુનાગઢના બે પ્રોૈઢના રાજકોટમાં મોત

કુલ ૪૬ દર્દી સારવાર હેઠળઃ સિવિલ હોસ્પિટલમાં ૧૪ દર્દી, તમામના રિપોર્ટ પોઝિટીવઃ કુલ મૃત્યુ આંક ૨૯ સુધી પહોંચવાની સંભાવના

રાજકોટ તા. ૧૧: સ્વાઇન ફલૂના વધુ બે દર્દીએ રાજકોટમાં દમ તોડ્યો છે. જસદણના સાણથલી ગામના વતની ૫૦ વર્ષના પ્રોૈઢને રાજકોટની ગિરીરાજ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલો હતો. આ પ્રોૈઢને રાત્રીના દમ તોડી દીધો છે. જ્યારે જુનાગઢના ૫૩ વર્ષના પ્રોૈઢનું આજે સવારે સિનર્જી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. જો કે આરોગ્ય વિભાગના સુત્રોએ આ બંને કેસ હજુ શંકાસ્પદના લિસ્ટમાં રાખ્યા છે. રિપોર્ટ સ્પષ્ટ થયે મૃત્યુ આંકમાં ઉમેરો કરવામાં આવશે. અગાઉના ચારેક મૃત્યુના આંક ઉમેરવાના બાકી હોઇ કુલ મૃત્યુ આંક ૨૯ કે ૩૦ સુધી થઇ જવાની સંભાવના છે.

ગઇકાલે એક જ દિવસમાં સ્વાઇન ફલૂના વધુ પાંચ પોઝિટીવ કેસ જાહેર થયા હતાં. તે સાથે શહેરમાં સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં કુલ ૪૬ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૧૪ દર્દી સિવિલ હોસ્પિટલમાં છે અને આ તમામના રિપોર્ટ પોઝિટીવ છે.

જે દર્દીઓ સારવારમાં છે તેમાં રાજકોટ, વિછીયા, ઉપલેટા, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, જસદણ, જુનાગઢ, કચ્છ, જામનગર ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના ગામોના દર્દીઓનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના આંકડ અનુસાર આ વર્ષમાં ૧૦ ફેબ્રુઆરી સુધીમાં કુલ મૃત્યુઆંક ૨૫ હતો. જેમાં અગાઉના મૃતકોના રિપોર્ટ આજે જાહેર થયે મૃત્યુઆંક વધવાની શકયતા છે. (૧૪.૫)

(11:27 am IST)