રાજકોટ
News of Saturday, 12th January 2019

બહુચર્ચિત બોગસ CBSE માન્યતાના પ્રકરણમાં મોદી સ્કૂલના ટ્રસ્ટીઓના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા.૧૨: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડ્રી એન્જયુકેશન (સીબીએસઇ) સાથે જોડાણ વગર સરકારની મંજુરી મેળવ્યા વગર શહેરની ચાર મોટી શાળાઓમાં આ કોર્ષ ચાલુ કરી દઇ વાલીઓ પાસેથી મોટી ફી ઉઘરાવી વાલીઓ  તથા છાત્રો સાથે કાવત્રુ ઘડી બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડી કરવા સબબ શહેર પોલીસે મોદી સ્કૂલનાં સંચાલકો વિરૂદ્ધ નોંધેલી એફ.આઇ.આર.ના કામે તમામ શાળા વાલીઓ તથા વકીલ દ્વારા કરવામાં આવેલ જામીન રદ્દ તેમજ મોર્ટ ઇન્કવાયરીની માંગણી અદાલતે નકારી દેતા શિક્ષણ જગતે રાહતનો શ્વાસ લીધેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, પી.વી.મોદી સ્કૂલના પ્રિન્સીપાલ (૧) હિમાંશુભાઇ જગજીવન ભાણવડીયા અને (ર) રોહીણીબેન ભોલા તથા ટ્રસ્ટી મંડળના સભ્યો (૩) રશ્મીકાંત પ્રવિણચંદ્ર મોદી, (૪) પારસભાઇ પ્રવિણચંદ્ર મોદી, (૫) કુંજલબેન રશ્મીકાંત મોદી, (૬) હિનાબેન પારસ મોદી, (૭) જયોત્સનાબેન પ્રવિણચંદ્ર મોદી વિરૂદ્ધ તેઓની સ્કૂલમાં સી.બી.એસ.ઇ. કોર્ષ ચલાવવાની સરકારની માન્યતા કે એન.ઓ.સી. ન હોવા છતાં આરોપીઓએ પોતે આર્થિક લાભ મેળવવા સારૂ એકસંપ કરી પૂર્વયોજીત કાવત્રુ રચી અસંખ્ય વાલીઓ તથા વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઇ સ્કૂલ સી.બી.એસ.ઇ.ની માન્યતા ધરાવે છે તેવું બતાવવા ખોટા હેન્ડબુક, ફી રીસીપ્ટ, બુક લીસ્ટ, ઓખળકાર્ડ વિગેરે જેવા કિંમતી દસ્તાવેજો બનાવી વાલીઓ પાસેથી સી.બી.એસ.ઇ. કોર્ષની ફી ઉઘરાવી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી ખોટા ડોકયુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરી અસંખ્ય વાલીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ હોવાની ફરીયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં વાલીઓ દ્વારા નોંધાવાયેલ હતી.

આ જે ફરીયાદીના કામે આરોપીઓને પોલીસ ધરપકડ કરશે એવી દહેશત જણાતા તેઓએ તેમના વકીલ શ્રી તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલ હતી. આરોપીઓ, વાલીઓ તથા સરકાર વતી થયેલ તમામ દલીલોના અંતે અદાલતે પોતાના વિસ્તૃત ચૂકાદામાં આરોપીઓ તરફે થયેલ દલીલો સાથે સંમતિ દર્શાવી તમામ આરોપીઓના આગોતરા જામીન અરજી મંજુર કરેલ હતી તેમજ પોલીસ સામે કોર્ટ ઇન્કવાયરી કરવાની અરજીમાં કોઇ વજુદ ન હોવાનું ઠરાવી ફગાવી દેવામાં આવેલ હતી.

આ કામે સરકાર તરફે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષીએ રજુઆત કરેલ હતી તેમજ આગોતરા જામીન અરજીમાં તમામ આરોપીઓ વતી જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગોૈરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ ગોર રોકાયેલ છે.(૧.૧૭)

(4:07 pm IST)