રાજકોટ
News of Saturday, 12th January 2019

પતંગ ચગાવવાની તમારી મજા પશુ પક્ષીઓ માટે મોતની સજા ન બની રહે તેની કાળજી રાખજો

વન વિભાગ કંટ્રોલ રૂમ સતત સેવામાં : સાવચેતી માટે સુચનો

રાજકોટ તા. ૧૨ : સોમવારે મકર સંક્રાંતિ પર્વ હોય લોકોએ પતંગની મજા માણવા સાથે પશુ પક્ષીઓ ઘાયલ ન થાય અને મોતને ન ભેટે તેની પણ થોડી કાળજી રાખવા વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ તથા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો  છે. આ દિવસોમાં વન વિભાગ દ્વારા ખાસ કંટ્રોલરૂમ ધમધમતો કરી ફોન નં. ૦૨૮૧- ૨૫૮૧૫૧૦ અને ૨૫૮૮૨૬૦ કાર્યરત કરવામાં આવેલ છે. તા.૧૧ થી લઇને ૧૮ સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયુ છે. લોકોએ સવારના ૯ વાગ્યા પહેલા પતંગ અને સાંજના પ વાગ્યા પછી પતંગ નહીં ચગાવવા અપીલ કરાઇ છે. કેમ કે એ સમયગાળો પશુ પક્ષીઓને આકાશમાં વિહરવાનો હોય છે. કયારેય કયાંય ઘાયલ પક્ષી જોવા મળે તો ઉપર પાણી રેડી તેને તકલીફ ન આપવી. કસોકસ દોરી વિંટળાયેલી જોવા મળે તો ખેંચીને કાઢવા પ્રયાસ ન કરવો. ઇલેકટ્રીક લાઇનો ઉપર પક્ષી ફસાયેલા હોય તો અડકવાનો પ્રયાસ કરી પોતાનો જીવ જોખમમાં ન મુકવો. ઘાયલ પક્ષીનું રેસ્કયુ કરતી વખતે હંમેશા પક્ષીની આંખોને કપડા અથવા જુના મોજાથી ઢાંકી દેવી. ઘાયલ પક્ષી જોવા મળે કે તુરત નજીકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરવો. જો પક્ષીને લોહી નિકળતુ હોય તો એના ઘા ઉપર હળવેથી રૂ મુકી લોહી નીકળતુ બંધ કરવુ. પતંગ ઉડાડતી વખતે દોરીના ગુંચડા જયાં ત્યાં ફેકવાને બદલે કચરા પેટીઓમાં યોગ્ય નિકાલ કરવો. ઘાયલ પક્ષી સાથે રમત ના કરવી. પાંખો પોળી કરી ઘા જોવાની કોશીશ ન કરવી. કે  ઘાયલ પક્ષી સાથે સેલ્ફનો આનંદ લેવાની તસ્દી ન લેવી. વધુ માહીતી માટે બર્ડ હેલ્પ લાઇન રાજકોટ મો.૯૯૦૪૫ ૯૨૮૮૮ અથવા મો.૯૯૦૪૫ ૯૩૮૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૩)

(11:48 am IST)