રાજકોટ
News of Friday, 11th January 2019

રવિવારે રપ થી ૭૫ કિ.મી. સાયકલોફન

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા

રાજકોટ તા.૧૧: મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આગામી તા. ૧૩-૦૧-૨૦૧૯ને રવિવારે સવારે ૪.૩૦ વાગ્યે રોલેકસ સાયકલોફનનું આયોજન કરવામાં આવેલ છે. શહેરીજનો સાઇકલીંગ જેવા નોનમોટરાઇઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું કરવામાં સહયોગી બને તેવા આશય સાથે રોલેકસ સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ભાગ લે, તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશ્નરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ રોલેકસ સાયકલોફનમાં કુલ ત્રણ પ્રકારના રૂટ પ્રમાણે કેટેગરી રાખવામાં આવેલ છે. એક રપ કિ.મી.ની કેટેગરી, બીજી ૫૦ કિ.મી.ની કેટેગરી અને ત્રીજી ૭૫ કિ.મી.ની કેટેગરી રાખવામાં આવી છે. જે વ્યકિત સમય મર્યાદામાં રેલી પૂર્ણ કરશે તેવા તમામ લોકોનો ડ્રો કરી પુરસ્કાર આપવામાં આવશે.

રપ કિ.મી.ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ, કાલાવડ રોડ, ન્યુ રીંગ રોડ, ઘંટેશ્વર, માધાપર ચોકડી, જામ ટાવર, આર.વર્લ્ડ, રેસકોર્ષ થઇને બાલભવનના ગેઇટ પાસે સુધી રહેશે

પ૦ કિ.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ, કાલાવડ રોડ, ન્યુ રીંગ રોડ, ચોકીધાણી, એલ્ડોરાડો પાર્ક (ત્યાંથી રીટર્ન), માધાપર ચોકડી, જામ ટાવર, આર. વર્લ્ડ, રેસકોર્ષ થઇને બાલભવનના ગેઇટ પાસે સુધી રહેશે.

૭૫ કિ.મી.ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ, કાલાવડ રોડ, ન્યુ રીંગ રોડ, ચોકીધાણી, ભારત હોટલ, ડેપાલીયા બસ સ્ટોપ (ત્યાંથી રીટર્ન), માધાપર ચોકડી, જામ ટાવર, આર.વર્લ્ડ, રેસકોર્ષ થઇને બાલભવનના ગેઇટ પાસે સુધી રહેશે.

સાયકલીંગ કરવું વ્યકિતની તંદુરસ્તી માટે આશીર્વાદરૂપ ગણાય છે. રોલ્કસ સાયકલોફનમાં ભાગ લેનાર તમામ વ્યકિતને હેલ્મેટ, ટીશર્ટ અપાશે. રૂટ પર પાણી, મેડિકલ સુવિધા, મ્યુઝીક ચીયારીંગ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(4:15 pm IST)