રાજકોટ
News of Friday, 11th January 2019

બાકીદારો સામે ક્રિમીનલ કેસ દાખલ કરાશે

દેના બેંકના એમ.ડી.કર્નમ શેખર રાજકોટમાં

રાજકોટઃ દેના બેંકના મેનેજિંગ ડાયરેકટર અને સી.ઈ.ઓ. કર્નમ શેખરે રાજકોટ ઝોનની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ઝોનલ ઓફિસના સ્ટાફ તથા રાજકોટ ઝોનના તમામ શાખા મેનેજરો સાથે વાતચીત કરી અને ઓકટોબર- ૨૦૧૮ના મહિનામાં બેંક દ્વારા શરૃ કરવામાં બેંકના મિશન દેના- ૯૯૯૯ની સ્થિતિની સમીક્ષા કરી. જેમાં બેંકના એનપીએ સ્તરને માર્ચ- ૨૦૧૯ પહેલા ૩૩ ટકા સુધી નીચે લાવવાનું લક્ષ્ય છે. તેમણે બાકીદારો સામે ઋણ વસૂલાત માટેના બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ સમીક્ષા કરી. ભારપૂર્વક જણાવ્યું હતું કે બાકીદારો સામે તાત્કાલિક ધોરણે સરફેસિ એકટ, ડી.આર.ટી./ આર.સી., ક્રિમિનલ કેસ દાખલ કરવા, બિલકુલ ડિફોલટર ડિકલેર કરવા જેવા પગલાં ઝડપથી લેવા જોઈએ. ઉપરાંત તેઓએ તમામ સ્ટાફને 'દેના- મિશન ૯૯૯૯' હેઠળ બેંકના ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવાની સલાહ આપી હતી. તેમણે કર્મચારીઓને બેંકના એનપીએ સ્તરમાં ઘટાડાની ખાતરી કરવા તાકીદ કરી જેથી બેંક ઓફ બરોડા અને વિજયા બેંક સાથે સૂચિત જોડાણ સાથે દેના બેંક એક મજબૂત એન્ટિટી તરીકે ઉભરી શકશે તેમ યાદીના અંતમાં જણાવ્યું હતું.

(4:29 pm IST)