રાજકોટ
News of Friday, 11th January 2019

મિત્રતાના દાવે આપેલ ઉછીની રકમનો ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરીયાદ

રાજકોટ, તા., ૧૧: મીત્રતાના દાવે આપેલ હાથ ઉછીની રકમ પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં ફોજદારી ફરીયાદ  થતા કોર્ટે આરોપીને હાજર થવાનો હુકમ કરેલ છે.

હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં રહેતા મહેન્દ્રકુમાર અંબાવીભાઇ વાછાણીએ તેમના વલસાડ રહેતા મીત્ર લાખાભાઇ નારણભાઇ વાસણને રૂ.૯પ,૦૦૦/૦૦ની થોડા દિવસમાં પરત ચુકવી આપવાની શરતે મિત્રતાના દાવે આર્થીક રીતે મદદરૂપ થવા હાથ ઉછીના આપેલ. હાથ ઉછીની આપેલ આ રકમની મહેન્દ્રકુમાર વાછાણીએ ઉઘરાણી કરતા લાખાભાઇ નારણભાઇ વાસણએ રૂ. ૯૦,૦૦૦ નો ચેક આપેલ. આ ચેક ફરીયાદીએ તેમના બેંક ખાતામાં ભરતા તે ચેક આરોપી લાખાભાઇ વાસણના ખાતામાં અપુરતા નાણા હોવાને કારણે ફન્ડઝ ઇનસફીસીયન્ટના શેરાથી સ્વીકારાયા વિના પરત ફરેલ.

ફરીયાદી મહેન્દ્રકુમાર વાછાણીએ લાખાભાઇ વાસણને રાજકોટના એડવોકેટ નિલેશ જી.પટેલ મારફત ચેકવાળી રકમ ચુકવી આપવા જાણ કરતી નોટીસ પાઠવેલ. આરોપીને આપેલ નોટીસ મળવા છતાં ચેકવાણળી રકમ ફરીયાદીને ચુકવેલ નહી કે નોટીસનો કોઇ જવાબ આપેલ નહી. આમ આરોપી ખાતામાં પુરતા નાણા નથી અને ચેક પાછો ફરશે તેવું જાણતા હોવા છતા ચેક આપેલ હોય અને લીગલ નોટીસથી જાણ કરવા છતાં ચેકવાળી રકમ ફરીયાદીને ચુકવેલ ન હોય, ચેક આપતી વખતે આરોપીએ અમો ફરીયાદીને આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રીનો ભંગ કરેલ છે અને નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનો ગુન્હો આરોપીએ કરેલ છે અને આરોપી સામે કાયદા મુજબ ફોજદારી રાહે પગલા લેવા અને આરોપીને શખ્ત નશ્યત પહોચાડવા તેમજ ફરીયાદીને ખાસ વળતર અપાવવા અંગેની ફોજદારી ફરીયાદી રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરેલ. કોર્ટે ફરીયાદની હકીકતો ધ્યાને લઇ આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે. આ ફરીયાદમાં ફરીયાદી મહેન્દ્રકુમાર અંબાવીભાઇ વાછાણી તરફથી રાજકોટના નિલેશ જી.પટેલ એડવોકેટ રોકાયેલા છે.

(3:33 pm IST)