રાજકોટ
News of Friday, 12th January 2018

રાજકોટમાં એપ્રિલમાં વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ ૨૦૧૮

સૌરાષ્ટ્રના ખેડૂતોનું કયારેય ન જોવા મળેલ સશિકતકરણ જોવા મળશે : ૧૫ હજાર ખેડૂતો આ એકસ્પોમાં ભાગ લેશેઃ મધ્યમ કદની ઈન્ડસ્ટ્રીઝ દેશની આર્થિક તાકાત છે, આ એકસ્પો વાયબ્રન્ટ ગુજરાત સમીટની વિચારધારા પર આધારીત છે, ૧૨થી વધુ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે : સમીર શાહ

રાજકોટ, તા. ૧૨ : હાઈલેવલ અને નીચેના ક્રમની ઈન્ડસ્ટ્રીઝો કરતા મધ્યમ કદની ઈન્ડસ્ટ્રીઝો દેશની આર્થિક તાકાત છે. રાજકોટમાં આગામી એપ્રિલ માસમાં વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ ૨૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે. આ એકસ્પોમાં એગ્રીકલ્ચરને મહત્વ આપવામાં આવશે. મગફળી, ઓઈલ જેવા પાકોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી ૧૫ હજારથી વધુ ખેડૂતો ભાગ લેનાર છે તો દેશ-વિદેશમાંથી તજજ્ઞો આવનાર હોવાનું સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યુ હતું.

ગઈકાલે સાંજે હોટલ ઈમ્પેરીયલ પેલેસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયુ છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની એક દાયકાથી લાંબી સફળતાની કથા છે અને વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો અને સમીટને સૌરાષ્ટ્ર પર કેન્દ્રીત સમાન પ્રકારની પ્લેટફોર્મ ઓફર કરવા માટે શરૂ કરવામાં આવ્યુ હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ વારસાને સ્થાનિક સ્તેર લાવવાના ખ્યાલ સાથે વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૬ને ખૂબ જ સફળતા મળી હતી. આ એકસ્પો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની વિચારધારા પર આધારીત છે અને આ એકસ્પોમાં સમીટ દ્વારા જ્ઞાન વિતરણ અને એકસ્પો દ્વારા માર્કેટ એકસેસ થશે, આ એકસ્પોનો ધ્યાન સૌરાષ્ટ્રમાં રોકાણ ખેંચી લાવવાનો નથી, પરંતુ ટેકનોલોજી સુધારો થાય અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ જાણવાની તક મળે જેથી તેમનું સ્તર વૈશ્વિક ખેલાડીઓની સમાન બની શકે.

આ એકસ્પો સંયુકતપણે ઓકટાગોન કોમ્યુનિકેશન અને સૌરાષ્ટ્ર ઓઈલ મીલર્સ એસોસીએશન દ્વારા યોજવામાં આવે છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્રના વિવિધ એસોસીએશન્સ તરફથી પૂરો સહકાર મળેલ છે. આ એકસ્પોમાં એગ્રીકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ૧૨થી વધુ દેશો જેવા કે ઈઝરાયલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજયોમાંથી લોકો ભાગ લેશે.

કૃષિ અને કેટલાક સંબંધિત ઉદ્યોગો માટે આ પ્રદર્શન, સેમીનાર, સમીર બી ૨ બી (બીટુબી) મીટ, નેટવર્કીંગ એક સાથે જોડાયેલ છે. કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનીજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડુ, ઈમીટેશન દાગીના, કન્ઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રીયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જીનિયરીંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય અને ખાદ્ય તેલ, મેટલ ફેબ્રીકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રોમાં આ એકસ્પોનો ભાગ છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે પ્રદેશ અને કૃષિ વ્યવસાય એકમોની વિગતો આપતા જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં ૩૦૩૩થી વધુ કૃષિ વ્યવસાય એકમો છે. કૃષિ ઉદ્યોગ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રીત કરતા વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ ૨૦૧૮માં ફોકસના પ્રાથમિક બિંદુઓ (૧) ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સાધનો અને તકનીકોનું સંશોધન કરવું. (૨) ખેડૂતો અને ઔદ્યોગિક સંગઠનોને સપ્લાય ચેઈનને સક્ષમ કરો જેથી કરીને વધુ સારૂ વળતર અને વધુ વ્યવસ્થિત પ્રક્રિયાઓ સુનિશ્ચિત થાય. (૩) બજારમાં તૈયાર ઉત્પાદનોનો વિકાસ કરો જેથી વેચાણ માટે બાહ્ય ખેલાડીઓ પર નિર્ભરતા ઘટે.

ઓકટાગોન કોમ્યુનિકેશન્સના સીઈઓ સંદિપ પટેલએ જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં માત્ર કૃષિ જ નહિં પરંતુ અન્ય સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ સતત વધારો થયો છે. સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિદ્ધ એન્જીનિયરીંગ, મશીન ટુલ્સ અને બ્રાસ પાર્ટસ કલસ્ટર જેના બનેલા પાર્ટસ એવીએશન અને સંરક્ષણ જેવા ક્ષેત્રો કે જે ગુણવતા અને ચોકસાઈ માટે અત્યંત સંવેદનશીલ છે ત્યાં મેડ ઈન સૌરાષ્ટ્રનો સિક્કો છે. અમે આ પ્લેટફોર્મ થકી સૌને ફાયદો થાય તેવા પ્રામાણિક પ્રયત્નો કરવા કટીબદ્ધ છીએ.

આ સમીટ વિવિધ ક્ષેત્રોના આંતરરાષ્ટ્રીય કરણને જુએ છે અને તેને અનુલક્ષીને આ વર્ષે રસપ્રદ વ્યૂહરચનાઓ દ્વારા વિવિધ દેશોના ભારતમાંના રાદૂતોને આ પ્લેટફોર્મ પર લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પત્રકાર પરિષદમાં સર્વેશ્રી સમીર શાહ (સોમા), વિશાલ આચાર્ય, સંદિપ પટેલ, ડો. સી. એમ. પરખીયા (જૂનાગઢ યુનિ.) ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૪)

(11:56 am IST)