રાજકોટ
News of Wednesday, 11th December 2019

મહિકા ગામની સંખ્યાબંધ સોસાયટીના પ૦૦૦ લોકો ગટર-પાણી-લાઇટ-શિક્ષણ-આરોગ્ય-કચરા નિકાલની સુવિધાથી વંચીતઃ આવેદન

૧૦૦થી વધુ ગ્રામજનો-મહિલાઓ ઉમટી પડયાઃ ઉગ્ર સૂત્રોચ્ચાર-દેખાવોઃ પ્રશ્ન નહિ ઉકેલાય તો ઉપવાસ આંદોલન

મહિકા ગ્રામ પંચાયત અને સોસાયટીના રહેવાસીઓએ કલેકટરને પ્રાથમિક સુવિધા અંગે આવેદન આપી વિસ્તૃત રજુઆતો કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: મહિકા ગ્રામ પંચાયતના ૧૦૦ જેટલા ભાઇ-બહેનો આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર સુવિધાઓથી વંચિત રાખવા બાબતે ઉગ્ર વિરોધ કરી-દેખાવો યોજી-સુત્રો પોકારી રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, રાજકોટ તાલુકાના મહિકા ગામની હદમાં આવેલ સોસાયટીઓ જેવી કે હરસિધ્ધપાર્ક, નકલંકપાર્ક, શિવપાર્ક, ઓમ તિરૂમાલા સોસાયટી, ગોકુલ પાર્ક, માનધાતા પાર્ક, ઓમ તીરૂમાલા-૧, શ્યામ કિરણ સોસા. શિવમ્ સોસાયટી, પીઠડાઇ ૧ તથા ર, રઘુનંદન સોસાયટી, રાધીકા પાર્ક એમ કુલ-૧ર સોસાયટીઓ આવેલ છે. જેમાં પાંચ હજારથી વધુ લોકો વસે છે. જે માંડા વિસ્તાર તરીકે ઓળખાય છે. આમ જનતાની રોજ બરોજની જરૂરિયાત અને જીવન જરૂરી સુવિધાથી વંચિત આ સોસાયટીના રહીશોના પેચીદા પ્રશ્નો વણ ઉકેલ્યા છે. જે આ મુજબ છે.

આ સોસાયટીઓમાં ભુગર્ભ ગટરની વ્યવસ્થા નથી. જેથી ગંદુ પાણી ઠેર ઠેર ભરાવાથી ગંદકી ફેલાઇ છે અને રોગચાળો ફેલાય છે પીવાના પાણીની કોઇ જાતની સુવિધા નથી બોરના પાણી પીવામાં ઉપયોગમાં લેવાતા હોઇ ભુગર્ભ તેમજ શોષ કુંડીના કારણે પાણી દુષિત આવે છે, રોડ રસ્તા કાચા હોવાના લીધે ચોમાસા દરમ્યાન ખૂબજ મુશ્કેલી પડે છે, જાહેર રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી જેથી રાત્રિના સમયે લોકોને અવર-જવર માટે ખૂબજ મુશ્કેલી પડે છે. ધન કચરાના નિકાલ માટેની પણ કોઇજ વ્યવસ્થા નથી સરકારની સ્વચ્છ ગુજરાત/ભારતની યોજના સફળ કરવા માટે કોઇજ ઉપાય નથી, પ્રાથમિક જરૂરીયાત જેવી કે બાળકોને શિક્ષણ આપવા માટે સરકારી સ્કુલની સુવિધાગ્રસ્ત કોઇપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી.

ઉપર જણાવ્યા મુજબના તમામ પ્રશ્નો તેમજ સુવિધાથી મહિકા ગ્રામ પંચાયત વિસ્તારમાં વસ્તી જનતા વંચિત હોઇ તેમજ વારંવાર વિકાસના કામો માટે જીલ્લા-તાલુકા પંચાયત તથા સરકારશ્રીમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવા રજુઆત કરવા છતા કોઇજ સુવિધા આજ સુધી સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતી નથી.અમારી આ વેદનાને સરકારમાં બેઠેલા પદાધિકારીઓ તથા અધિકારીઓ સાંભળશે નહીં અને સુવિધાથી વંચિત રાખશે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, માટે તાત્કાલીક ધોરણે સરકાર અમારા પ્રશ્નો સાંભળી ધ્યાને લઇ વહેલાસર સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ છે.

આવેદન દેવામાં સરપંચ બી. પી. મોલીયા, બાબુ રાણા તથા અન્ય સંખ્યાબંધ આગેવાનો જોડાયા હતા.

(3:32 pm IST)