રાજકોટ
News of Wednesday, 11th December 2019

માધાપર-મનહરપુર(૧)-મોટા મૌવા-ઘંટેશ્વર અને મુંજકા ગ્રામ પંચાયતો રાજકોટમાં ભળી જશેઃ માત્ર ૧૩૦૦૦નો વસતી વધારો : ૩૪.૧૧ કી.મી. જમીન વધશેઃનવાગામની બાદબાકી થઇ ગઇ

૧૮ મીએ મળનાર જનરલ બોર્ડમાં મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને અરજન્ટ દરખાસ્ત રજૂ કરશેઃ ચૂંટણી પહેલા હદ વધારો થઇ જશેઃ માધાપરનો ૧ નવો વોર્ડ બનાવાશે

રાજકોટ તા. ૧૦ : શહેરની ભાગોળે આવેલા માધાપર - મનહરપુર -ઘંટેશ્વર,  મુંજકા, મોટામવા  એમ ચાર ગામોને  રાજકોટ શહેરની હદમાં ભેળવવા અંગે છેલ્લા ૧વર્ષથી ચર્ચાઓ ચાલી રહી છે આ દરમ્યાન મ્યુ.કોર્પોરેશનના શાશકો પણ આ બાબતે હકારાત્મક વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે અને આગામી તા. ૧૮ મીએ મળનાર જનરલ બોર્ડમાં આ ચારેય ગામોને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભેળવવા માટે અધ્યક્ષ સ્થાનેથી મેયર બીનાબેન આચાર્ય અરજન્ટ બીઝનેશથી દરખાસ્ત રજૂ કરનાર છે. જેમાં હવે નવાગામને રાજકોટમાં ભેળવવામાંથી બાદબાકી કરાઇ છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય એ આ અંગે અરજન્ટ દરખાસ્તથી થનાર ઠરાવની વિગત આપતા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નજીકના ગામો-વિસ્તારોને રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવા અંગે સામાન્ય

સભાનો ઠરાવ કરીને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને દરખાસ્ત કરવા માટે સંદર્ભે-૧ ના પત્રથી રાજકોટ મહાનગરપાલિકાને જણાવેલ.

રાજકોટ મહાનગરપાલિકાની હાલની હદમાં છેલ્લે સને જાન્યુઆરી-ર૦૧પ ના રાજકોટ તાલુકાના ગામ વાવડીએ અને કોઠારીયાને ભેળવવામાં આવતાં રાજકોટ મહાનગરપાલિકાનું ક્ષેત્રફળ ૧ર૯.ર૧ ચો. કી. મી. છે. ત્યારે રાજકોટ શહેરને લાગુ રાજકોટ તાલુકાના ગામ (૧) મોટા મવા, (ર) મુંજકા, (૩) ઘંટેશ્વર તથા (૪) માધાપર (માધાપરની હદમાં ફાળવવામાં આવેલ મનહરપુર-૧ ગામના વિસ્તાર સહિત) મળી કુલ ચાર ગામોમાં ખુબ જ વિકાસ થવા  પામેલ છે. જેના કારણે માનવ વસવાટ પણ ખુબ જ થયેલ છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને પણ શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં લોકોની માફક વધુ સારી નાગરીક સુવિધાનો લાભ મળે રહે તે માટે આ તમામ ૪ (ચાર) ગામ - વિસ્તારને રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ભેળવવા માટે નીતિ વિષયક નિર્ણય લેવાનો રહે છે. ઉપરોકત બાબતો પરત્વે જરૂરી નિર્ણય થયેથી, હદ વધારવા માટે જરૂરી આનુંસાગિક કાર્યવાહી કરી સરકારશ્રીની મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરવાની થાય છે. આ દરખાસ્ત ૧૮ મીએ મળનાર જનરલ બોર્ડમાં રજૂ કરી, ઘટીત ઠરાવ કરાશે.

આ તકે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉપરોકત ચારે'ય ગામો રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભળી ગયા બાદ (૧) માધાપરની ૧૦.૬૧ કિ. મી. જમીન તથા ૧પ,૦૩૬ ની  વસતી ત્થા મનહરપુર-(૧) ની ૩ કિ. મી. જમીન અને ૧૩૧ર ની વસતી (૩) ઘંટેશ્વરની ૮.૩ર કિ. મી. જમીન અને પ૮૭૪ ની વસતી (૪) મુંજકાની ૮.૧ કિ.મી. જમીન મોટા મવાની ૭.૧૪ કિ.મી. જમીન અને પ,૭પ૯ ની વસતી એમ કુલ ૩૪.૧૧ કિ.મી. જમીન વધશે અને ૩૧.૪૬ હજારની વસતી વધશે.

એટલે કે રાજકોટની વર્તમાન ૧ર૯.ર૧ કિ. મી. જમીન હદ વધ્ય પછી ૧૬૩.૩ર કી. મી. ની થશે અને શહેરની વસતી ૧૩.૭૭ લાખની થશે.

અને શહેરનાં વર્તમાન ૧૮ વોર્ડમાં ૧ વોર્ડ માધાપરનો વધે તેવી શકયતા છે.

મેયરશ્રીએ જણાવેલ કે શહેરની નવી હદ અટલ સરોવર (નવો રીંગ રોડ) સુધી ત્થા મોટમવામાં કોસ્મો પ્લેન્સ તરફ અને મુજકામાં નવા રીંગ રોડ સુધી ત્થા માધાપર બાજુ મોરબી રોડ - બ્રીજ સુધીનો રહેશે. 

 જમીન મકાન સહિતના ધંધાની દ્રષ્ટિએ બન્ને વિસ્તારો વિકસી રહ્યા છે. સરકારી ચોપડે ગામડુ હોવા છતા વ્યવહારૂ દ્રષ્ટિએ શહેરના જ ભાગોળના વિસ્તાર તરીકેની છાપ ધરાવે છે. પાંચ  વિસ્તારોને રાજકોટમાં ભેળવી -પ્રાથમિક સુવિધા સહિતના વિકાસના મીઠા ફળ પહોંચાડવાની સરકારની કલ્પના છે.પાંચ ગ્રામ પંચાયતોએ શહેરમાં જોડાવા માટે સહમતીનો ઠરાવ કરીને સરકારને મોકલવાનો રહેશે. જો કે ગ્રામ પંચાયતનો ઠરાવ તરફેણમાં ન હોય તો પણ હદ વધારા બાબતે નિર્ણય લેવાની સરકારને સત્તા છે.  (પ.૧૯)

હદ વધારવાનો ઐતિહાસિક ઠરાવ કરનાર મેયર બીનાબેનનો બંગલો હવે રાજકોટમાં આવશે!

રાજકોટ : આગામી ૧૮ મીએ મળનાર જનરલ બોર્ડમાં રાજકોટની હદમાં માધાપર - ઘંટેશ્વર-મોટા મવા અને મુંજકાને ભેળવવાનો ઐતિહાસીક ઠરાવ કરવાનો યશ મેળવનાર મેયર બીનાબેન આચાર્યનો બંગલો  હાલમાં શહેરની હદની બહાર એટલે કે કાલાવડ રોડ, ચોંકીઢાણી પાસે આવેલ છે. જે હવે નવી હદ વધ્યા બાદ રાજકોટ કોર્પોરેશનની હદમાં આવશે.

(3:17 pm IST)