રાજકોટ
News of Wednesday, 11th December 2019

કોકા હોટેલના માલિકનો પુત્ર તેજ શેઠ ત્રીજા માળેથી પટકાતાં ગંભીરઃ અકસ્માતે પટકાયો કે પડતું મુકયું?

પિતા સુનિલભાઇ શેઠે નિવેદનમાં કહ્યું- ત્રીજા માળે રૂમ નં. ૧૦૭-૧૦૮માં ગેસ્ટ આવવાના હોઇ કર્મચારી અખીલેશ સાથે રૂમની સાફસફાઇ કરતી વખતે ઘોડા પરથી પગ લપસતાં બનાવ બન્યો

જ્યાં ઘટના બની તે હોટેલ કોકા, લોહીનું ખાબોચીયુ અને તેજભાઇ સુનિલભાઇ શેઠનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ કોકાના માલિક સુનિલભાઇ શેઠનો પુત્ર તેજભાઇ સુનિલભાઇ શેઠ (ઉ.વ.૩૫) રાતે અગિયારેક વાગ્યે હોટેલના રૂમના ત્રીજા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. તેજભાઇ અકસ્માતે પડી ગયા કે પડતું મુકયું? તે અંગે રાતે તરેહ-તરેહની ચર્ચા વહેતી થઇ હતી. જો કે પોલીસે તેમના પિતા હોટેલ માલિક સુનિલભાઇ શેઠનું  નિવેદન નોંધતા તેમણે રૂમમાં સાફસફાઇ કરતી વખતે ઘોડા પરથી પગ લપસતાં અકસ્માતે નીચે પડી ગયાનું જણાવ્યું હોઇ પોલીસે હાલ આ મુજબની નોંધ કરી  છે અને તેજભાઇ ભાનમાં આવે તેની રાહ જોઇ રહી છે.  પ્રાપ્ત માહિતી મુજબ ડો. યાજ્ઞિક રોડ પરની હોટેલ કોકાના ત્રીજા માળેથી તેજભાઇ શેઠ પટકાતાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. ત્રીજા માળેથી તે પટકાયાની જાણ હોટેલના પાંચમા માળે રહેતાં તેમના પિતા સુનિલભાઇ સહિતને કર્મચારી અખિલેશે જાણ કરતાં બધા નીચે દોડી આવ્યા હતાં અને તેજભાઇને ગંભીર હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

બનાવની જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્સ. સાજીદભાઇ અને ક્રિપાલસિંહ ઘટના સ્થળે તથા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. તેજભાઇ બેભાન હોઇ તેનું નિવેદન નોંધી શકાયું નહોતું. તેમના પિતા સુનિલભાઇ શેઠે પોલીસને જણાવ્યું હતું કે પુત્ર તેજ અને કર્મચારી અખિલેશ ત્રીજા માળે રૂમ નં. ૧૦૭ અને ૧૦૮ બુધવારે ગેસ્ટને આપવાનો હોઇ તેની સફાઇ કરવા માટે રૂમમાં ગયા હતાં. તે વખતે લોખંડના ઘોડા પર ચડી સફાઇ કરતી વખતે પુત્ર તેજનો પગ લપસતાં તે પટકાયો હતો. બાલ્કની પાસે જ ઘોડો હોઇ તેજ સીધો નીચે પટકાયો હતો.  તેજભાઇ એક ભાઇ અને એક બહેનમાં મોટો છે અને પરિણીત છે. તેને પણ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેજભાઇ અને પરિવારજનો હોટેલમાં જ પાંચમા માળે રહે છે. તે ભાનમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે. (૧૪.૬)

(11:37 am IST)