રાજકોટ
News of Friday, 11th November 2022

વ્હોટ્સએપમાં ન્યુડ વિડીયોકોલને આધારે બ્લેકમેઇલીંગઃ યુવાનને ૬૪૫૦૦ સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા

એસીપી વી. એમ. રબારી, એએસઆઇ જે. કે. જાડેજા અને ટીમની કામગીરીઃ કોઇપણ આ રીતે ભોગ બને તો સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૧: અજાણ્યા નંબરો પરથી છોકરીના નામે કોઇપણ વ્યકિતને હાઇ-હેલ્લોના મેસેજ કર્યા બાદ ફોન સેકસની લાલચ આપી વ્હોટ્સએપ પર ન્યુડ વિડીયો કોલ કરી તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી બાદમાં જે તે વ્યકિતને ફોન કરી તમે ન્યુડ વિડીયો જોયો તેનું રેકોર્ડિંગ થઇ ગયું છે, જો અમે કહીએ એટલા રૃપિયા નહિ આપો તો તમારો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દઇશું, તમારા સગાને મોકલી દઇશું તેમ કહી ધમકાવી બ્લેકમેઇલ કરી નાણા પડાવતી ટોળકી દરરોજ કોઇને ને કોઇને આ રીતે શીકાર બનાવતી રહે છે. દરમિયાન રાજકોટના એક યુવાન સુનિલ પુનાભાઇ મંકોડીયા (ઉ.૨૨-રહે. મુળ એમપી હાલ રાજકોટ) સાથે આવી જ ઘટના બની હતી. જેમાં તેને વ્હોટ્સએપમાં ન્યુડ વિડીયો કોલ કરી તે આ વિડીયો નિહાળતો હોય તેવું સ્ક્રીન રેકોર્ડીંગ કરી તેને બ્લેકમેઇલ કરી તેનો વિડીયો યુ ટ્યુબમાં પોસ્ટ કરી દેવાની ધમકી આપી તેની પાસેથી રૃા. ૬૪૫૦૦ પડાવી લીધા હતાં.

યુવાને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી તેમજ ડીસીપી ક્રાઇમની સુચના મુજબ એસીપી સાયબર ક્રાઇમ વિશાલ એમ. રબારી અને ટીમના એએસઆઇ જે. કે. જાડેજા, હેડકોન્સ. દિગ્વીજયસિંહ ઝાલા અને કોન્સ. દિલીપભાઇ કુમારખાણીયાએ ટેકનીકલ એનાલિસીસ કરી ભોગ બનનારને તમામ રકમ પરત અપાવી હતી. આ રીતે સોશિયલ મિડીયામાં કોઇપણ લોકો બ્લેકમેઇલીંગનો ભોગ બને તો ધમકીના દબાણમાં આવ્યા વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)