રાજકોટ
News of Friday, 11th November 2022

બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર અશ્વિનભાઇ દેસાઇને ૧૪ લાખ માટે માસાજીની ધમકીઃ પોરબંદરના મેર શખ્‍સે હવાલો લીધો

રાજકોટના વિમલનગર પાસે મંગલપાંડે ટાઉનશીપમાં રહેતાં યુવાને ૨૦૧૮માં સુરત રહેતાં માસાજી ઇશ્વર વોરા સાથે ભાગીદારીમાં ટ્રાન્‍જીટ હાઉસનું કામ રાખ્‍યું હતું: ૧૪ લાખ ચુકવી દીધા છતાં વ્‍યાજ માંગી, જમીન લખી દેવા કહ્યું : માસાજી સાથે આવેલા એક શખ્‍સે કહ્યું-તને ફોન કરીને કીધું'તું તો'ય કેમ ઇશ્વરભાઇના પૈસા દેતો નથી, હવે તો મારી જ નાંખવો પડશે! : સુરતથી આવેલા માસાજી અને ત્રણ અજાણ્‍યાએ ઘરમાં ઘુસી ઉંધી છરીથી ઇજા કરી ઢીકાપાટુ માર્યાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

જેને ધમકી અપાઇ અને ઘરમાં ઘુસી હુમલો કરાયો તે કોન્ટ્રાક્ટર યુવાન અને તેનું નિવાસસ્થાન જાઇ શકાય છે

રાજકોટ તા. ૧૦: યુનિવર્સિટી રોડ પુષ્‍કરધામ નજીક વિમલનગર પાસે મંગલ પાંડે ટાઉનશીપમાં રહેતાં અને સરકારી કામોના બાંધકામ રાખી કામ કરતાં પટેલ યુવાને તેના પુર્વ ભાગીદાર સુરત રહેતાં માસાજી સસરાને ભાગીદારીના ૧૪ લાખ ચુકવી દીધા હોવા છતાં તેણે પોરબંદરના મેર શખ્‍સને હવાલો આપતાં એ શખ્‍સે વારંવાર ફોન કરી ઉઘરાણી કર્યા બાદ ગઇકાલે માસાજી તથા ત્રણ અજાણ્‍યાએ રાજકોટ ઘરે આવી ધરાર ઘરમાં ઘુસી જઇ મારકુટ કરી છરીના હાથાથી ઇજા કરી ૧૪ લાખનું બે ટકા વ્‍યાજ માંગી તેમજ નાણા ન દેવા હોય તો મેંદરડા પાસેની જમીન લખી આપવાનું કહી પતાવી દેવાની ધમકી આપતાં ચકચાર જાગી છે. અજાણ્‍યામાં એક મેર શખ્‍સના નામે ફોન કરનાર હોવાનું પણ જણાવતાં પોલીસે તપાસ આદરી છે.
આ બનાવમાં પોલીસે વિમલનગર મેઇન રોડ પર મંગલ પાંડે ટાઉનશીપ બી-૨/૯૦૮માં રહેતાં અને સરકારી બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર તરીકે કામ કરતાં અશ્વીનભાઇ રમણીકભાઇ દેસાઇ (પટેલ) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી સુરત રહેતાં તેના માસાજી સસરા ઇશ્વર વોરા તથા ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.
અશ્વીનભાઇ દેસાઇએ પોલીસને જણાવ્‍યું છે કે હું સરકારી બાંધકામના કોન્‍ટ્રાકટ રાખુ છું. ૨૦૧૮માં મુંજકામાં યુનિવર્સિટીમાં આવેલા ટ્રાન્‍જીટ હાઉસનું કામ મેં તથા મારા પત્‍નિ મંજુલાના માસા ઇશ્વરભાઇ વોરા જે હાલ સુરત રહે છે તેની સાથે પાર્ટનરશીપમાં રાખ્‍યું હતું. આ પછી કામના પૈસા બાબતે પોરબંદરથી કોઇ મેર શખ્‍સના મને મોબાઇલ પર ફોન આવતાં હતાં અને અવાર-નવાર નાણાની ઉઘરાણી થતી હતી.  
બુધવારે ૯મીએ બપોરે બે વાગ્‍યા આસપાસ હું અને મારા પત્‍નિ મંજુલા ઘરે હતાં ત્‍યારે બેલ વાગતાં મેં દરવાજો ખોલતાં મારા માસાજી ઇશ્વર વોરા અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો જોવા મળ્‍યા હતાં. મને અજાણ્‍યાએ ધક્કો મારી ઘરમાં પછડાી દીધો હતો અને આ લોકો ધરાર ઘરમાં ઘુસી ગયા હતાં. બે જણાએ મને પકડી રાખ્‍યો હતો અને બે ફડાકા મારી દીધા હતાં. છરી કાઢી ઉંધો હાથો જમણા ખભે માર્યો હતો. એ પછી એક શખ્‍સે કહેલું કે-હું તને ફોન કરીને કહેતો હતો તો'ય તને ખબર નથી પડતી? ૧૪ લાખ ઇશ્વરભાઇને દેવાનું  તને કીધું હતું તો પણ કેમ દેતો નથી?
જેથી મેં તેને કહેલું કે મારે જે ૧૪ લાખ દેવાના હતાં તે મે ઇશ્વરભાઇ અને તેના દિકરા મિતલને એનપીએસ અને આંગડીયા પેઢી મારફત મોકલી દીધા છે. મેં કુલ ૧૪ લાખ અને ૯ હજાર ચુકવ્‍યા છે. આથી તેણે કહેલું કે ૧૪ લાખ પર બે ટકા વ્‍યાજ આપવાનું છે. આથી મેં કહેલુ કે તેણે મને પાર્ટનર તરીકે માત્ર ૧૪ લાખ આપ્‍યા હતાં, જે મેં પાછા આપી દીધા છે. આ પ્રોજેક્‍ટ મોટો હતો, તેણે વધુ નાણા આપ્‍યા નહોતાં. આ પછી મારા માસાજીએ કહેલું કે તારે રૂપિયા ન દેવા હોય તો મેંદરડાના સીમાસી ગામે આવેલી તારી જમીન મને તું અત્‍યારે જ લખી દે, અમે કબ્‍જો મેળવી લઇશું. તેમ કહી માસાજીએ ગાળો દીધી હતી. તેની સાથેના અજાણ્‍યા શખ્‍સે છરી કાઢી મને બતાવી કહેલું કે-જો જમીનના કાગળો પર સહી ન કરે તો આને હવે પતાવી દેવો પડશે. એ પછી ચારેયએ મળી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. એ પછી મેં ૧૦૦ નંબરમાં ફોન કરતાં મારા માસાજી અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો ભાગી ગયા હતાં.
એ પછી પોલીસ આવતાં મેં પોલીસ સ્‍ટેશને જઇ ફરિયાદ નોંધાવી હતી. ભાગીદારીના કામમાં મારા માસાજીએ જે રકમ આપી હતી તે મેં પાછી આપી દીધી હોવા છતાં તેણે વધુ નાણા માંગી અને નાણા ન આપવા હોય તો જમીન લખી આપવાનું કહી ઘરમાં ઘુસી મારકુટ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. આર. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફોન કરનાર શખ્‍સ ખરેખર પોરબંદરનો છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ શરૂ થઇ છે.

 

(11:28 am IST)