રાજકોટ
News of Thursday, 11th November 2021

૧૯ મીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : સાડા ત્રણ કલાક ચાલશે

ભારતના અરૂણાચલ વિસ્તારમાં જોવા મળશે : ગ્રહણ પ્રારંભ ૧૨ કલાક ૪૮ મીનીટ અને ગ્રહણ સમાપન ૧૬ કલાક ૧૭ મીનીટ

રાજકોટ તા. ૧૧ : આગામી તા. ૧૯ ના સદીનું સૌથી લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યોજાશે. વિશ્વના અમુક પ્રદેશો-દેશોમાં જોવા મળનાર આ ગ્રહણ સાડા ત્રણ કલાક ચાલશે. જેનો ખગોળ પ્રેમીઓએ લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અનુરોધ કરેલ છે.

રાજયમાં જાથા કચેરી દ્વારા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપતા કાર્યક્રમો અપાશે. કાર્તીક સુદ પૂર્ણીમા શુક્રવાર તા. ૧૯ ના વૃષભ રાશી કૃતિકા નક્ષત્રમાં થનારૂ અને સાડા ત્રણ કલાક ચાલનારૂ આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતના પૂર્વોત્ત્તર છેવાડાના અરૂણાચલ પ્રદેશના અમુક ભાગોમાં જોવા મળશે. લાલાશ રંગનો ચંદ્ર અલૌકિકતા સર્જશે.

પૂર્વ એશિયા, ઉ.યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, પેસીફીક વિસ્તારોમાં આ નજારો માણી શકાશે.

ભુમંડલે ભારતીય સમય મુજબ છાયા ગ્રહણ સ્પર્શ ૧૧ કલાક ૩૨ મીનીટ ૧૦ સેકન્ડ, ગ્રહણ પ્રારંભ ૧૨ કલાક ૪૮ મીનીટ ૪૨ સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૪ કલાક ૩૨ મીનીટ ૫૫ સેકન્ડ અને ગ્રહણ સમાપન ૧૬ કલાક ૧૭ મીનીટ ૦૭ સેકન્ડે થશે.

વિવિધ સ્થળોએ ગ્રહણ નિદર્શન સંબંધી કાર્યક્રમો માટે જાથાના ઉમેશ રાવ, ચેતન સવાણી, રોમિત રાજદેવ, વાજી વિરડા વિસ્તારના દિનેશ હુંબલ, કુંકાવાવના રાજુભાઇ યાદવ, નિકાવાના ભોજાભાઇ ટોયટા, જસદણના અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીયા, મોરબીના રૂચીર કારીયા, ગૌરવ કારીયા, ભુજના શૈલેષ શાહ, ભાનુબેન ગોહિલ, મંથલના હુશેનભાઇ ખલીફા, સુરતના મગનભાઇ પટેલ, વલસાડના કાર્તિક બાવીશી, નિર્ભય જોશી, તુષાર રાવ, હરેશ ભટ્ટ, ભકિત રાજગોર, હર્ષાબેન પંડયા એડવોકેટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

વિશેષ માહીતી માટે જાથા કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(3:13 pm IST)