રાજકોટ
News of Thursday, 11th November 2021

'શબદ ઝવેરી : ઝવેરચંદ મેઘાણી' : ગીત સંગીત અને સાહિત્ય સભર ડોકયુમેન્ટ્રી પૂર્ણતાના આરે

રાજકોટ તા. ૧૧ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિ નિમિતે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરીત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ડોકયુમેન્ટ્રી-ડ્રામા 'શબ્દ ઝવેરી : ઝવેરચંદ મેઘાણી' હવે પૂર્ણતાના આરે હોય ટુંક સમયમાં રજુ થશે.

કેન્દ્રની યાદી મુજબ 'કન્હાઇ મલ્ટીમીડિયા' નિર્મિત ઝવેરચંદ મેઘાણીના જીવન કવન અને સમગ્ર સાહિત્ય સર્જનને રજુ કરતી ૪૦ મીનીટની ડોકયુમેન્ટ્રી કમ ડ્રામા તૈયાર કરાઇ છે. જેનું દિગ્દર્શન વિજયેશ્વર મોહન અને નિર્લોક પરમારે સંભાળ્યુ છે. પરિકલ્પના ડો. નીતિન પેથાણી કુલપતિ સૌ.યુનિ., પદ્મશ્રી વિષ્ણુ પંડયા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, ડો. વિજય દેશાણી ઉપકુલપતિ સૌ.યુનિ. અને ડો. જે. એમ. ચંદ્રવાડીયા નિયામકશ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની છે.

મેઘાણીના પાત્રમાં રમીઝ સાલાણી, સાથી કલાકારો કાજલ જોષી, જયેશ પડીયા, રાકેશ કડીયા, અનિલ જગડ, નિરાલી લાઠીયા, બાળકલાકાર દિવ્ય સોનીએ અભિયન આપ્યો છે. વાણી શિવરાજસિંહ ચુડાસમા, પાર્શ્વસંગીત મનોજ વિમલ, છાયાંકન : વિજયેશ્વર મોહન, બંકીમ ત્રિવેદી, ગૌરવ બદ્રકીયા અને એડીટીંગ જયદીપસિંહ જાડેજાએ કર્યુ છે.

ઝવેરચંદ મેઘાણીના કંઠે ગવાયેલા શૌર્ય ગીતો ઉપરાંત હેમુભાઇ ગઢવી, ઓસમાણ મીર, માલદે આહીરના સ્વરમાં ગવાયેલા ગીતો આ ડોકયુમેન્ટ્રીની ખાસ વિશેષતા છે.

(3:12 pm IST)