રાજકોટ
News of Thursday, 11th November 2021

પહેલા નગ્ન વિડીયોને કારણે અને હવે જૂગટાને કારણે વગોવાઇ ગઇ ડો. યાજ્ઞિક રોડની જાણીતી હોટેલ

ઇમ્પિરિયલ પેલેસના રૂમ નં. ૬૦૫માં જામેલા જૂગારધામની મજા પોલીસે બગાડીઃ ૧૦ જણાની રાત લોકઅપમાં વીતી

૧૦.૨૪ લાખની રોકડ કબ્જેઃ બે કાર, મોબાઇલ ફોન મળી કુલ ૩૫.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જેઃ રાતૈયાના જમીન મકાનના ધંધાર્થી નરેન્દ્રસિંહ જાડેજાએ મેનેજર જોનને ફોન કરી સ્યુટ રૂમ ભાડે રાખ્યો'તોઃ ઝડપાયેલામાં મોટા ભાગના વેપારીઃ રાજકોટ, રાતૈયા, મેટોડા, મોરબીના વતની : પોલીસે ડોરબેલ વગાડતાં એક શખ્સે દરવાજો ખોલ્યોઃ પોલીસે-નરેન્દ્રસિંહ જાડેજા કોણ? એવું પુછતાં દરવાજો ખોલનારે કહ્યું-હું પોતે...બીજા ૯ રૂમમાં કુંડાળુ વળીને જૂગાર રમવા બેઠા'તા : ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશભાઇ મંઢ, હેડકોન્સ. સંજયભાઇ ચાવડા અને કોન્સ. જગદીશ વાંકની બાતમીઃ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વિરલ. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલાની ટીમનો દરોડો

જૂગટુ ખેલનારાનો ખેલ પડી ગયોઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલમાં રૂમ ભાડે રાખી જૂગારધામ ચાલુ કરવામાં આવ્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે ત્રાટકી ૧૦ને પકડ્યા હતાં. આ દસેય નીચેની તસ્વીરમાં જોઇ શકાય છે. ઉપરની તસ્વીરમાં વિગતો જણાવતાં ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી અને પાછળ દરોડાની કામગીરી કરનાર પીએસઆઇ એમ. એમ. ઝાલા અને તેમની ટીમ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: શહેરના ડો. યાજ્ઞિક રોડ પરની ધ ઇમ્પિરીયલ પેલેસ હોટલ વધુ એક વખત વગોવાઇ ગઇ છે. અગાઉ આ હોટેલના રૂમમાં એક યુવતિએ નગ્ન ડાન્સ કર્યાનો વિડીયો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. પરંતુ એ વિડીયોની તપાસ હજુ ચાલુ છે ત્યાં હવે આ હોટેલના સ્યુટ રૂમમાં ચાલતું જૂગારધામ ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. ક્રાઇમ બ્રાંચે રૂમ નં. ૬૦૫માં બાતમીને આધારે દરોડો પાડી લોધીકાના રાતૈયાના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા સંચાલિત જૂગારધામ પકડી લઇ પત્તાપ્રેમીઓની મજા બગાડી નાંખી હતી. રૂ. ૧૦.૨૪ લાખની રોકડ, બે કાર, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૫,૧૭,૦૦૦નની મત્તા પોલીસે કબ્જે કરી હતી. પકડાયેલા દસેય જણાએ રાત ડીસીબી પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીતાવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મહેશભાઇ મંઢ, હેડકોન્સ. સંજયભાઇ ચાવડા તથા  કોન્સ. જગદિશભાઇ વાંકને પાક્કી બાતમીૅં મળી હતી કે ઇમ્પિરિયલ પેલેસ હોટેલના રૂમ નં. ૬૦૫માં જૂગારધામ ચાલી રહ્યું છે અને તે કોઇ નરેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે. આ બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે હોટેલમાં પહોંચી મેનેજર વિશે પુછતાછ કરતાં મેનેજર જોન કુરીઆ કોશ હાજર ન હોઇ રિસેપ્શનિસ્ટ પ્રીતિબેન રામગુલાબ પટેલ હાજર હોઇ તેને પોતાની ઓળખ આપી હતી અને લિફટ મારફત છઠ્ઠા માળે પહોંચી રૂમ નં. ૬૦૫ની ડોરબેલ વગાડતાં એક શખ્સે દરવાજો ખોલ્યો હતો. પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા કોણ? તેમ પુછતાં દરવાજો ખોલનારે પોતે જ નરેન્દ્રસિંહ હોવાનું કહ્યું હતું. પોલીસે અંદર જોતાં રૂમમાં કુંડાળુ વળીને શખ્સો જૂગાર રમવા બેઠેલા જણાયા હતાં.

પોલીસે રૂમમાંથી ૧૦ જણા (૧) નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ. ૩૩, રહે રાતૈયા તા. લોધીકા જી. રાજકોટ) (૨) મનીષ રસીકભાઇ સોંડાગર-મીસ્ત્રી (ઉ.વ. ૪૦ રહે. મવડી હેડ કવા. પાસે, અંબીકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, વસંતવાટીકા એપાર્ટમેન્ટ બી/૧૦૧ રાજકોટ), (૩) વિપુલ કાન્તીભાઇ બેચરા-પટેલ (ઉ.વ. ૪૫ રહે. સાધુ વાસવાણી રોડ, કોપર સ્ટોન એપાર્ટમેન્ટફલેટ નં. સી/૧૦૨ રાજકોટ), (૪) રસીક દેવજીભાઇ ભાલોડીયા-પટેલ ઉ.વ. ૪૩, રહે. રવાપર, શ્રીજી એસ્ટેટ મોરબી), (૫) રાજન દિલીપભાઇ મહેતા- વાણીયા ઉ.વ.૪૩ ધંધો. વેપાર રહે. મીલપરા શેરી નં. ૭/૨૦ અરિહંત  રાજકોટ), (૬) ભરત મગનભાઇ દલસાણીયા-પટેલ (ઉ.વ.૪૨, રહે. રવાપર રોડ, સાનીધ્ય પાર્ક, સીલ્વર હાઇટસ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૫૦૩ મોરબી), (૭) કરણ ઓઘડભાઇ પરમાર (ગમારા) -ભરવાડ (ઉ.વ. ૩૩ રહે. આજીડેમ ચોકડી, માનસરોવર પાર્ક પાસે, સત્યમપાર્ક શેરી નં. ર રાજકોટ), (૮) કમલેશ દયાલજીભાઇ પોપટ-લોહાણા (ઉ.વ.૫૩, રહે. યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક, મીલાપનગર શેરી નં. ૧, જીવતી કુંજ રાજકોટ), (૯) અરવીંદ વશરામભાઇ ફળદુ-પટેલ (ઉ.વ. ૪૧ રહે. બાલાજી હોલ, બેકબોન સોસાયટી મેઇન રોડ, ડાયમંડ રાજકોટ) અને (૧૦) પ્રદિપ ધીરૂભાઇ ચાવડા ( ઉ.વ. ૨૯ ધંધો. વેપાર રહે મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ નં. ૧, સફર સ્વીટ એપાર્ટમેન્ટ, બ્લોક નં. બી-૪૦૨ રાજકોટ)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લીધા હતાં.

પોલીસે જૂગારના પટમાંથી રૂ. ૫૨ હજાર રોકડા તથા અન્ય આરોપીઓએ પોતાના પગ પાસે રાખેલી રકમ મળી કુલ રૂ. ૧૦,૨૪,૦૦૦ની રોકડ તથા એક ફોર્ચ્યુનર કાર જીજે૦૩કેસી-૮૫૮૬ રૂ. ૧૫ લાખની અને સફારી કાર જીજે૦૩જેસી-૯૦૯૦ રૂ. ૫ લાખની તથા રૂ. ૪,૯૩,૦૦૦ના ૧૩ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૫,૧૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે પકડાયેલા તમામની પુછતાછ કરતાં આ જુગારધામ નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા ચલાવતા હોવાનું અને  તેણે પોતાના પરીચયમાં આવેલ ઇમ્પિરિયલ પેલેસ હોટલના મેનેજર જોન કુરીઆ કોશ મારફત રૂમની વ્યવસ્થા કરી હોવાનું અને ગઇકાલે જ બે કાર મારફત બધા જૂગાર રમવા આવ્યાનું ખુલ્યું હતું.  હોટલના મેનેજર જોન કુરીઆ કોશ અને રિશેપ્સનિસ્ટ પ્રીતિબેન પટેલની ધરપકડ હવે પછી થશે.

ઝડપાયેલા તમામને ડીસીબી પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતાં અને ધરપકડ બાદ લોકઅપમાં બેસાડી દેવાતાં તેની સવાર લોકઅપમાં પડી હતી. પકડાયેલામાં મોટા ભાગના વેપારી છે. નરેન્દ્રસિંહ જમીન મકાનનું કામ કરે છે, વિપુલ બેચરા સિમેન્ટનો ધંધો કરે છે, મનિષ મિસ્ત્રી કામનો કોન્ટ્રાકટર છે, રસિકને ટાઇલ્સનો શો રૂમ છે, રાજન સિમેન્ટ અને ટાઇલ્સનો ધંધો કરે છે, ભરત ટાઇલ્સનો ધંધો, કરણ દૂધનો ધંધો અને કમલેશ એકાઉન્ટન્ટ છે. તેમજ અરવિંદ જમીન મકાનનું અને પ્રદિપ જીઆઇડીસીમાં ફરસાણનો ધંધો કરે છે. તમામને આજે જામીન મુકત કરવાની કાર્યવાહી થશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ કે. ગઢવી, પીએસઆઇ એમ. એમ. ઝાલા, પોલીસ હેડકોન્સ. ધીરેનભાઇ માલકિયા, અશોકભાઇ કલાલ, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા,  કોન્સ. મહેશભાઇ મંઢ, ઉમેશભાઇ ચાવડા, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, જગદીશભાઇ વાંક સહિતે આ કામગીરી કરી હતી. પોલીસ હોટેલના સીસીટીવી કેમેરા પણ ચેક કરશે. અગાઉ નગ્ન ડાન્સનો વિડીયો વાયરલ થયો હતો એ પણ છઠ્ઠા માળનો અન્ય રૂમ હોવાનું જે તે વખતે ખુલ્યું હતું. હવે જૂગારધામ પકડાયું છે એ પણ છઠ્ઠા માળનો સ્યુટ રૂમ છે. આ મામલે પણ પોલીસ તપાસ કરશે. 

જૂગાર રમાડનારા દ્વારા એક બાજી દીઠ રૂ. ૫૦૦ની નાલ કાઢવામાં આવતી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. અગાઉ આ હોટેલ કે બીજી કોઇ જગ્યાએ જૂગારધામ ચલાવ્યું હતું કે કેમ? તેની પણ તપાસ થઇ રહી છે. (૧૪.૭)

મેનેજર જોને રિસેપ્સનીસ્ટ પ્રીતિ પટેલને કહ્યું-નરેન્દ્રસિંહ અથવા વિપુલભાઇને રૂમ આપજો, આઇ-ડી પ્રૂફ હું ઇ-મેઇલ કરુ છું: એ પછી તેણે જામનગરના સોહિલ કોઠીયાના નામનું આઇ ડી પ્રૂફ મોકલ્યું: એક આઇ ડીને આધારે ૧૦ને એન્ટ્રી

મેનેજર અને રિસેપ્સનીસ્ટના પણ આરોપીમાં નામ

. ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દસ જણાને જૂગાર રમતાં ઝડપી લીધા બાદ રૂમ કોણે ભાડે રાખ્યો હતો? તેની તપાસ થતાં એવી માહિતી સામે આવી હતી કે રાતૈયાના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા કે જેને હોટેલના મેનેજર જોન કુરીયા કોશ સાથે પરિચય હોઇ તેણે મેનેજરને ફોન કરી રૂમની વ્યવસ્થા કરવા કહ્યું હતું. એ પછી મેનેજર જોને હોટેલના રિસેપ્શનીસ્ટ પ્રીતિબેન રામગુલાબ પટેલને ફોન કરીને કહેલું કે-નરેન્દ્રસિંહ અથવા વિપુલભાઇ આવે તો રૂમ આપજો. આઇ-ડી પ્રૂફ હું ઇ-મેઇલથી મોકલીશ. આ પછી પ્રીતિબેને વિપુલ બેચરા આવતાં તેને રૂમની ચાવી આપી હતી અને ભાડુ રૂ. ૧૫ હજાર નક્કી કરાયું હતુ઼. મેનેજરે ઇ-મેઇલથી જે આઇ-ડી પ્રૂફ મોકલ્યું તે જામનગરના સોહિલ જયેશકુમાર કોઠીયાના નામનું હતું. તેની ઉમર ૨૨ વર્ષ જ હતી. જ્યારે રૂમ લેવા આવેલા વિપુલની ઉમર ૪૫ હતી. આમ છતાં યોગ્ય ખરાઇ કર્યા વગર પ્રીતિબેને રૂમ આપી દીધો હોઇ પોલીસે મેનેજર અને રિસેપ્શનીસ્ટને પણ આરોપીમાં સામેલ ગણી કાર્યવાહી કરી છે. જો કે મેનેજર હાથમાં આવ્યો નથી. પ્રીતિબેનને સાંજનો સમય હોઇ અટકાયત કરવાની બાકી રાખી નોટીસ અપાઇ હતી. જેની હવે પછી ધરપકડની કાર્યવાહી થશે.

(2:56 pm IST)