રાજકોટ
News of Monday, 11th November 2019

એસ્ટ્રોન સોસાયટીના બગીચામાં વૃક્ષપ્રેમી હંસરાજભાઈએ ઉછેરેલા વૃક્ષો કોણે કાપ્યા?

કોર્પોરેશનનું તંત્ર કહે છે અમે નથી કાપ્યા સ્થાનિકોએ કાઢી નાખ્યા

રાજકોટ, તા. ૧૧ : મુળ ડાંગરવાડાના વતની અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના ભાઈ હંસરાજભાઈ કાકડીયા ૯૦ વર્ષની ઉંમરે વૃક્ષ ઉછેરનું જબ્બર અભિયાન ચલાવે છે. કોઈના સાથ સહાર વગર એકલા - હાથે ધાર્મિક જગ્યાઓ, ખેતરના શેઢાઓમાં, સાર્વજનિક પ્લોટ, બગીચા વગેરે જાહેર સ્થળોએ હંસરાજભાઈએ સેંકડો વૃક્ષો ઉછેર્યા છે. જેના થકી તેઓને વૃક્ષપ્રેમીની ઓળખ મળી છે. રાજકોટના એસ્ટ્રોન સોસાયટીના બગીચામાં વૃક્ષો ઉછેર્યા હતા. જે કોઈએ કાપી નાખ્યા ત્યારે હંસરાજભાઈનું દિલ દ્રવી ઉઠ્યુ. તેઓએ 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવી અને એવો આક્ષેપ કર્યો હતો કે મ્યુ.કોર્પોરેશનના ગાર્ડન વિભાગે તેઓએ ઉછેરેલા વૃક્ષો કાપી નાખ્યા છે.

જયારે આ બાબતે ગાર્ડન ડાયરેકટર ડો.હાપલીયાનો સંપર્ક સાધતા તેઓએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવેલ કે એસ્ટ્રોન સોસાયટી બગીચામાં હંસરાજભાઈએ વાવેતર કરેલા આ વૃક્ષોને તંત્રએ નહિં પરંતુ સ્થાનિક લોકો કાઢી નાખતા હોવાનું જાણવા મળ્યુ છે.

વૃક્ષારોપણમાં સહયોગ

દરમિયાન હંસરાજભાઈએ શહેરમાં વૃક્ષારોપણમાં દરેકને સહયોગી થવા કટીબદ્ધતા દાખવી છે. તેઓ કોઈપણ સ્થળે વૃક્ષ ઉછેરી તેને દરરોજ પાણી પીવડાવવા સહિતની સેવાઓ આપી રહ્યા છે. વૃક્ષારોપણ માટે હંસરાજભાઈનો (મો.૯૬૦૧૪ ૪૦૫૭૦) ઉપર સંપર્ક કરી શકાય છે.

(12:57 pm IST)