રાજકોટ
News of Monday, 11th October 2021

દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા રાજુ સોલંકીને ત્રણ શખ્સોએ છરી ઝીંકી દીધી

ગ્રીનલેન્ડ ચોકડી પાસે બનાવઃ ગોંડલના પ્રકાશ ગોસ્વામી, અર્જુન ગોસ્વામી અને કિશન સોલંકી સામે ગુન્હો

રાજકોટ તા. ૧૧ : ગ્રીનલેન્ડ ચોકડી પાસે દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા યુવાનને ગોંડલના ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આડો પેડક રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં રહેતા રાજુ ગોરધનભાઇ સોલંકી (ઉ.૩૦) એ બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલની રોમા ટોકીઝની પાછળ રહેતા પ્રકાશ પરસોત્તમભાઇ ગોસ્વામી, અર્જુન પ્રકાશ ગોસ્વામી અને કિશન સોલંકીના નામ આપ્યા છે. રાજુએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે પસ્તી-ભંગારનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવે છે પોતાના આઠ વર્ષ પહેલા ગોંડલ પંચપીરની ધાર પાસે રહેતી મનીષા સોલંકી સાથે લગ્ન થયા હતા.

પત્ની મનીષા છેલલા ચારેક વર્ષથી તેના માવતરના ઘરે રીસામણે છે. અનેછેલ્લા એક વર્ષથી ગોંડલમાં રહેતા કનુ નામના શખ્સ સાથે ભાગીને ત્યાં જ રહે છે. જેથી પોતે અવાર નવાર ગોંડલ જતો હોઇ, તેથી પ્રકાશ ગોસ્વામી તથા કિશન સોલંકી પોતાને ઓળખે છે. ગઇકાલે પોતે લાલપરી તરફ કામ સબબ ગયો હતો. ત્યારે ત્યાં લાલપરીના ઢાળ પાસે પ્રકાશ ગોસ્વામી તેનો પુત્ર અર્જુન ગોસ્વામી અને કીશન સોલંકી મળ્યા હતા. આ ત્રણેય પોતાને કહેલ કે, 'અમારી સાથે ગ્રીનલેન્ડ ચોકડી તરફ આવ' જેથી પોતે તેની સાથે ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતા હતા ત્યારે હડાબાપાની હોટલ સામે પોતાને ઉભો રાખી પ્રકાશે કહેલ કે 'તુ મને દારૂ પીવા માટે પૈસા આપ' જેથી પોતે તેને પૈસા આપવાની ના પાડતા આ ત્રણેયે ઉશ્કેરાઇને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. બાદ પ્રકાશે તેની પાસે નેફામાંથી છરી કાઢી  હુમલો કરતા પોતાને ડાબાહાથની હથેળીમાં ઇજા થઇ હતી.  અર્જુન અને કિશને પોતાને પકડી રાખતા પ્રકાશે છરી ઝીંકી દેતા પોતાને છાતીની જમણી બાજુ ઇજા થઇ હતી. પોતે દેકારો બોલાવતા ત્રણેય ભાગી ગયા હતા. બાદ ત્યાંથી ચાલીને પોતાના ઝુપડામાં આવતા માતા સહિતના પરિવારજનોએ પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે રાજુ સોલંકીની ફરિયાદ પરથી ગોંડલના ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી પી.એસ.આઇ. પી.એ. ગોહીલે તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)