રાજકોટ
News of Friday, 11th October 2019

બ્રહ્માકુમારીઝ દ્વારા રવિવારે સંયમીઓનો સન્માન સમારોહ

કાલે અટલ બિહારી બાજપેયી હોલમા સાંસ્કૃતિક કાર્યક્રમ : રવિવારે સીનર્જી હોસ્પિટલ સામેના કલ્યાણમ પાર્ટી પ્લોટમાં સન્માન સમારોહ : સંયમના માર્ગે વળેલ ૫૩ બહેનો અને ૩ ભાઇઓનું સન્માન કરાશે : દીલ્હી ઝોન ડાયરેકટર પૂ. આશાદીદી અને આબુથી મૃત્યુંજયભાઇ વિશેષ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૧૧ : છેલ્લા ૫૦ વર્ષથી સૌરાષ્ટ્રમાં આધ્યાત્મિકતાના ઓજસ પાથરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાન બ્રહ્માકુમારીઝ દ્વારા સુવર્ણ જયંતિના અવસરને ધ્યાને સંયમી બ્રહ્માકુમારી બહેનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે.

કાલે તા. ૧૨ ના અટલ બિહારી બાજપાઇ હોલ પેડક રોડ ખાતે કલ્ચરલ ઇવેન્ટ સાથે આ મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં રાજયોગીની બ્રહ્માકુમારી આશાદીદી ઉપસ્થિત રહેશ.

મહેમાનોમાં મેયર શ્રી બીનાબેન આચાર્ય, કલેકટર શ્રી રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહેશે.

જયારે તા. ૧૩ ના રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યે કલ્યાણમ પાર્ટી પ્લોટ, સીનર્જી હોસ્પિટલ સામે સન્માન સમારોહ આયોજીત થયો છે.

જેમાં સંયમના માર્ગે વળનાર ૫૩ બહેનો અને ૩ ભાઇઓનું સન્માન કરાશે. બ્રહ્માકુમારીઝના દીલ્હી ઝોન ડાયરેકટર આશાદીદી તેમજ માઉન્ટ આબુના બ્રહ્માકુમારીઝના સેક્રેટરી મૃત્યુંજયભાઇની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમનું દીપપ્રાગટયથી ઉદ્દઘાટન વજુભાઇ વાળાના હસ્તે કરાશે.

અંદાજે ૧૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી તૈયારી રાખવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે શાંતિ મૂર્તિ પૂ. ભારતી દીદીએ રોપેલ આધ્યાત્મિકતાનું બીજ ૫૦ વર્ષમાં વટવૃક્ષ બન્યુ છે.

આ ગોલ્ડન જયુબેલી વર્ષ દરમિયાન બ્રહ્માકુમારીઝ દ્વારા થયેલ વિવિધ સેવાકીયા પ્રવૃત્તિઓને ધ્યાને લઇ સન્માનીત કરવા આ આયોજન કરાયુ છે.

કાલના અતિથી એવા બી. કે. આશાદીદીનો આછેરો પરીચય જોઇએ તો તેઓ બ્રહ્માકુમારીઝ ઓર્ગેનાઇઝેશનના ઉત્તર ભારત વિભાગ 'ઓમ શાંતિ રીટ્રીટ સેન્ટર' ના ડાયરેકટર છે. રાજયોગ એજયુકેશન રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત એડમીનીસ્ટ્રેશન વિંગના અધ્યક્ષ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે બન્ને કાર્યક્રમોની વિગતો વર્ણવતા બ્રહ્માકુમારી અંજુબેન, બ્રહ્માકુમારી ગીતાબેન, કુમારી કોમલબેન, હિતેષભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)