રાજકોટ
News of Thursday, 11th October 2018

શકિત સંગ્રહીત કરવાનું બ્રહ્માસ્ત્ર એટલે નવરાત્ર

સામાન્ય શકિતનો અર્થ જોઇએ તો 'શ' એટલે ઐશ્વર્ય અને 'કિત' એટલે સામર્થ્ય. સામર્થ્યમાં ચેતનાનું ચાલક બળ એટલે શકિત.

સામાન્યતઃ આ શકિતના બે પ્રકાર છે. પ્રગટ અને અપ્રગટ. સ્થિર અવસ્થામાં તે અપ્રગટ રહે છે. જયારે ગતિમાં પ્રગટ થાય છે.

આ અદ્યશકિતનો લીલા વિસ્તાર ત્રણ સ્તરમાં વિસ્તરેલો છે. ઇચ્છા શકિતના રૂપમાં કાલી, ક્રિયા શકિતના રૂપમાં મહાલક્ષ્મી અને જ્ઞાન શકિતના રૂપમાં સરસ્વતી. આ ત્રિવિધ શકિતને ઉત્પન્ન કરનારી મહામાયા એટલે આદ્યશકિત મૈયા દુર્ગા. આ દુર્ગતી નાશિની મૈયાના નવલા નવ રૂપ દર્શાવવામાં આવ્યા છે. અચળ મનને સ્થિર કરી જડતા દૂર કરનારી મા 'શૈલજા' મલિન મનને ચલિત ચિતવનને ચંદન વનમાં ફેરવનારી માતા 'બ્રહ્મચારીણી'. સુખદાયીની મા 'ચંદ્રધંટા', સિધ્ધિ દાતા માતા 'કૃષ્માંડા' રક્ષા કરણી અભેભરણી માતૃવત્સલા મા 'સ્કંદમાતા', કન્યાઓને ઇચ્છિત વર આપી મનોકામના પુર્ણ કરનારી મૈયા 'કાત્યાની', કષ્ટભંજના શંકર હરણા શત્રુ દુષ્ટ નિકંદન કરનારી 'કાલરાત્રી', અભયવર દાયીની મા 'મહાગૌરી' અને અષ્ટ સિધ્ધિ દાતામાં 'સિધ્ધદાત્રી'.

આ સિવાય પણ શકિતના ઉગ્ર, સૌમ્ય રૂપના ગુણ કાર્યને લઇને અનંત નામો છે. જેમના સ્થળ સંકોચને કારણે વર્ણન કરતા ફકત અલ્પ નામો જ અર્પુ છુ. પાર્વતી, પર્વતિની, હિમવતી, ભવાની, વિંધ્યાવાસિની, વૈષ્ણવી, સિંહ-વાહિની, મહિષાસુર-મર્દીની, જગદાત્રી, જગદગૌરી, ઇશાની, ભગવતી, ઇશ્વરી, કાલંજરી, કનાલિની, કૌશિકી, મહેશ્વરી, મૃડાની, રૂદ્રાણી, શર્વાણી, ગિરજા, અંબિકા, કન્યાકુમારી, ભ્રામરી, આર્યા, જયા, વિજયા, શાકંભરી, શિવદૂતી, અર્પણા, કામાક્ષી, લલિતા, ભીમા, રજસી, રકતદાતા, શતાશ્રી વગેરે વગેરે. અને આ નવ રૂપા શકિતનું પનોતુ પર્વ એટલે નવરાત્રી.

નવરાત્ર બે શબ્દો મળીને બને છે. નવ સંખ્યા દર્શાવે છે. જયારે રાત્રી કાળ દર્શન કરાવે છે. સાધકો માટે રાત્રીનો સમય શ્રેષ્ઠ સમય છે. દિવસ વ્યવહાર માટે, જયારે રાત્રી માના પ્રતિ પ્યાર માટે. નવ આંક પુર્ણાક છે. અન્ય અર્થમાં જોઇએ તો ચેતન માત્રને ચેતનાવંતુ કરનાર નવ સત્વો, અને એનુ સંચાલન કરનાર નવ ગ્રહો, નવ નાગ, નવ વ્યિપ, નવનાથ, નવધા ભકિત, નવનિધિ હજુ પણ જરા ગહેરાઇમાં જઇએ તો માનવીની અયોધ્યારૂપી કાયાના નવ દ્વાર છે. અર્થાત નવ ઇન્દ્રિયો છે. મોહવશ એના ઉપર જે અજ્ઞાનનું આવરણ છવાયુ છે. તેને સાધના દ્વારા એક એક ઇન્દ્રિયના આવરણને એક એક રાત્રીએ દૂર કરવુ એ જ નવરાત્રી સાધના વર્ષમાં ચાર નવરાત્ર આવે. માહ, ચૈત્ર, અષાઢ અને આસો માસમાં.આમા ચૈત્ર અને આસો માસની નવરાત્રી મુખ્ય છે. આ સમય ઋતુઓનો મિલન કાળ પણ છે.

ઇશ્વરની સર્વોતમ શકિત કાળ છે. એજ સર્વેને મારે છે. જીવાડે છે. આજ કાળ શકિત યાને સમય, શકિતને ઋતુ દ્વારા જાણી શકાય છે. અનુભવી શકાય છે. ઋતુ વિજ્ઞાન અનુસાર જીવનનુ મુળ કારણ સ્ત્રોત અગ્નિ અને સોમ છે. જેનો ધર્મ ઉષ્ણ (ગરમ) અને શીત છે. આની શરૂઆત આ બંને નોરતામાં થાય છે. ચૈત્રમાં ગરમીની જયારે આસોમાં ઠંડીની આ મિલનકાળ હંમેશા મૂધરો હોય પરંતુ શકિત વિના અધુરો લાગે. આ સમય સ્વાસ્થ્ય સાથે પણ સબંધ ધરાવે છે. વૈદિક વિજ્ઞાન, અનુસાર શરદ અને વસંત ઋતુને યમના દાંત ગણાય છે. આયુર્વેદ અનુસાર શરદ ઋતુમાં પિતના અને વસંત ઋતુમાં કફનો પ્રકોપ પ્રગટે છે. આનુ સમન કરવા શકિત જોઇએ અને એ શકિત એકત્રીત, સંગ્રહીત કરવાનુ બ્રહ્માસ્ત્ર એટલે નવરાત્ર.

આપણી સંસ્કૃતિમાં નવરાત્રી પર્વનુ આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજીક એવું ત્રિગુણીત મહત્વ રહેલુ છે. આ મહત્વને પુર્ણ રીતે સમજીને નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ તો જ તેની સાર્થકતા છે. નવરાત્રીનુ પર્વ નારી શકિતની પૂજાનુ પર્વ છે. નારી સન્માન વિના રાષ્ટ્ર ઉત્થાન શકય નથી. આ સમગ્ર સચરાચર સૃષ્ટિના સંચાલન તરફ દ્રષ્ટિ કરીએ તો સ્પષ્ટ જણાઇ આવશે કે સૃષ્ટિનુ સર્જન, પાલન અને વિસર્જનની સમતુલા ખૂબ જ વ્યવસ્થિત રીતે કોઇક દ્વારા જળવાઇ રહેલ છે. સુર્યના ગોળામાંથી અખૂટ ચેતના સ્ત્રોત વહેતો રહે છે. ચંદ્રમાંથી શિતળતા વહે છે. જમીનમાં દાટેલુ બીજ વૃક્ષરૂપે ધરતીની છાતી ચીરીને બહાર આવે છે. એક જીવ પોતાનામાંથી પોતાના જેવા જ બીજા જીવનું સર્જન કરે છે. પ્રત્યેક પ્રાણી શ્વાસ લે છે. વિકાસ અને વય પામે છે. આ બધુ અત્યંત વ્યવસ્થિત રીતે અને અદભૂત રીતે સમયબધ્ધ કેવી રીતે થાય છે ? કોણ કરે છે ? આ બધાનો વિચાર કરીએ તો બુધ્ધિ ચકરાવે ચઢી જાય છે. આ બધુ કોણ કરે છે તે સમજાતુ નથી. પણ કોઇક તો કરે જ છે. તે નિશ્ચીત છે. કોઇક શકિત આ સચરાચર સૃષ્ટિનું સંચાલન કરી રહેલ છે. તેટલુ સ્વીકારીને અટકી જવુ પડે છે.

આ શકિત જ આપણા જીવનની ચેતનારૂપે આપણુ જીવન ચલાવી રહી છે. જે શકિતએ માણસને જીવન આપ્યુ છે. તે જ શકિત માનવીના શરીરના અણુએ અણુમાં ચેતના રૂપે વ્યાપ્ત બની માનવીનુ જીવન ચલાવે છે. જે શકિતએ દેહ આપ્યો છે, તે જ શકિત દેહની વૃધ્ધિ કરે છે. જે શકિતએ હાથ, પગ, આંખ,કાન,નાક, જીભ વગેરે ઇન્દ્રિયો આપી છે તે જ શકિત  ઇન્દ્રિયોને ક્રિયાશીલ રાખે છે ગતિ આપે છે.

આમ સમસ્ત વિશ્વનુ  અને માણસના જીવનનું સંચાલન કરનારી ત્રણ આદ્યશકિત છે. (૧) બુધ્ધિ અને જ્ઞાન (ર) પ્રબળ અપ્રતિમ સામર્થ્ય અને (૩) ઓજસ અને ઐશ્વર્ય. આદિ કાળથી માનવે માતાને પોષિકા રક્ષીના રૂપમાં જ નિહાળી છે.

આમ સત, રજ, તમ યાને 'હ્રીં શ્રીં કલીં તત્વનું 'પ્રતિનિધિત્વ કરતી યોગીક ભાષામાં કહીએ તો મુલાધાર (નર્ક)થી  સહસ્ત્રાધાર (સ્વર્ગ) સુધીની દુર્ગમ યાત્રા જે શકિતના આધારે શકય બને છે. એવી દુર્ગતીનાચીની, મૈયા દુર્ગાના નવલા નવ દિવસ એટલે નવરાત્રી. દુર્ગા શકિતની ભકિત દ્વારા નૂતન સામર્થ્ય મેળવવાનો મોંઘેરો મહત્વપુર્ણ દિવસો એટલે પુર્ણાંક નવાંક સમા નવરાત્ર.

શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર મો. ૯૮૭૯૧ ૨૫૭૨૫

(3:57 pm IST)