રાજકોટ
News of Thursday, 11th October 2018

દીક્ષા મહોત્સવ રાજકોટને આપોઃ સ્થા.સંઘોની પૂ.નમ્રમૂનિ મ.સા.ને વિનંતી

રાજકોટ, તા.૧૧: રાજકોટ રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સહિત ૭૫ પૂ.સંત - સતિજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ ખૂબ સુંદર રીતે ઉજવાઇ રહયું છે. વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપાસના એવમ્ આરાધના કરી રહ્યા છે.. આ ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ માટે અવિસ્મરણીય અને યશ કલગી સમાન પ્રસંગ એટલે દીક્ષા મહોત્સવ.

આગામી દિવસોમાં રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં મુમુક્ષુ આત્માઓ સંયમ અંગીકાર કરવા થનગની રહ્યાં છે.આવા વૈરાગ્યના અને ત્યાગ માર્ગ અંગીકાર કરવાના સમાચાર મળતાં જ સંયમ મહોત્સવનો મહા મૂલો લાભ પોતાના સંઘને મળે તે માટે સમગ્ર દેશના વિવિધ સંઘો તરફથી પૂ.ગુરુદેવને વિનંતિ પત્ર - સંદેશ શરૂ થઈ ગયાં હતાં. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓએ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં વિનંતી અર્થે આજરોજ  વિવિધ સંઘો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.

સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓ એક જ સૂરમાં આ સંયમ મહોત્સવ(દીક્ષા મહોત્સવ) રાજકોટની ધન્ય ધરા પર ઉજવાય તે માટે ખભે ખભા મીલાવીને તન, મન, ધનથી સેવા અનુમોદના સાથે આ પ્રસંગને ભવ્યાતિભવ્ય બનાવવા માટે અપૂર્વ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહ વ્યકત કરેલ. પૂ.ગુરુદેવને નમ્ર છતાં આગ્રહભરી અને  ભકિત ભાવ સાથે સંયમ મહોત્સવ રાજકોટમાં ઉજવાય તે માટે વિનંતિ કરી હતી.

સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘો માટે ખુશીની પળ એ હતી જયારે આ દીક્ષા મહોત્સવનો લાભ પોતાના સંઘને મળે તે માટે મોટા સંઘના ઇશ્વરભાઇ દોશીએ અજરામર સંઘના મધુધાઇ ખાંધા સરદારનગર ઉપાશ્રયવતી હરેશભાઇ વોરા મહાવીરનગરના કાંતિભાઈ શેઠે આગ્રહભરી વિનંતી કરી હતી.

આ તકે ઉપસ્થિત રહેલ ગોંડલ સંઘના પ્રવીણભાઈ કોઠારી, શ્રી રોયલપાર્ક મોટા સંઘના ચંદ્રકાંતભાઈ શેઠ, નેમિનાથ વીતરાગ સંઘના શ્રી ભરતભાઈ દોશી, શ્રમજીવી સંઘના શ્રી મહેશભાઈ મહેતા વગેરે વિવિધ સંઘના પદાધિકારીઓએ પૂ.ગુરુદેવને આ દીક્ષા મહોત્સવનો લાભ રાજકોટને જ પ્રાપ્ત થાય જેથી ધર્મનગરી રાજકોટના અબાલ વૃધ્ધો સૌ સંયમ પ્રેમીઓ લાભ લઇ શકે તે માટે રાજકોટને જ આપવા માટે પુનઃ પુનઃ વિનંતિ કરી હતી.

પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓની વિનંતિને માન આપી અને બે દિવસમાં શુભ સંદેશ આપવાના આશ્વાસન સાથે આશીર્વચન પાઠવ્યા હતાં. દીક્ષા મહોત્સવની વિનંતી અવસરે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ તેમ એક યાદિમાં જણાવાયું હતું.(૨૩.૧૨)

(3:53 pm IST)