રાજકોટ
News of Thursday, 11th October 2018

બે બનાવમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં મુન્ના અને મેહુલને માર પડ્યો

રાજકોટ તા. ૧૧: બે જુદા-જુદા બનાવમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બે યુવાનને માર પડ્યો હતો. ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે ખોડિયારપરામાં રહેતાં અને છૂટક મજૂરી કરતાં મુન્ના (મોના) બટુક વાઘેલા (ઉ.૨૦) નામના દેવીપૂજક યુવાનને પડોશમાં જ રહેતાં દિનેશ દેવરાજભાઇ દેવીપૂજક અને સાથેના બે શખ્સોએ ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મુન્નાના પિતા બટુકભાઇના કહેવા મુજબ દિનેશ અને સાથેના શખ્સો અવાર-નવાર ઘર પાસે દારૂ પી ગાળાગાળી કરે છે. ગત સાંજે પણ તેણે આવુ કરતાં તેને ઘરથી દૂર જવા બાબતે સમજાવવા જતાં હુમલો થયો હતો.

ગોકુલધામ કવાર્ટરના મેહુલને હિરેને માર માર્યો

ગોકુલધામ કવાર્ટરમાં રહેતાં મેહુલ વિનુભાઇ સોલકી (ઉ.૨૯) નામના રજપૂત યુવાનને રાત્રે સાડા દસેક વાગ્યે પડોશી હિરેન અને અજાણ્યા શખ્સે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. મેહુલ કારખાનામાં કામ કરે છે. હિરેન ઘર પાસે ગાળો બોલતો હોઇ ના પાડતાં હુમલો કર્યો હતો.

વામ્બે કવાર્ટરના પ્રવિણને અકસ્માતમાં ઇજા

સમૃધ્ધીનગર વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતો પ્રવિણ જેન્તીભાઇ રહેવર (ઉ.૨૧) રાત્રે સાડા બારે બાઇક હંકારી જતો હતો ત્યારે સામે બીજુ બાઇક અથડાતાં ઇજા થતાં સિવિલમાં દાખલ કરાયો હતો.

(3:42 pm IST)